કારનું માઇલેજ કંપનીના અધિકૃત ડીલરના મશીનનો ઉપયોગ કરીને જ ચેક કરી શકાય
સામાન્ય કાર માલિક પોતે પોતાની ગાડીનું માઇલેજ ચેક ન કરી શકે!
ઈ૨૦ વિવાદ વચ્ચે ગડકરીનો અજીબ દાવો
મુંબઈ, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે ઈ૨૦ પેટ્રોલને લઈને દેશમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક સામાન્ય કાર માલિક પોતાની ગાડીનું માઇલેજ ચોક્કસ રીતે જાતે માપી શકતો નથી.
આ માટે તેમણે ઓથોરાઇઝ્ડ ડીલર પાસે રહેલા ટેસ્ટિંગ મશીન પર જ નિર્ભર રહેવું જોઈએ.મંત્રી ગડકરીએ સોમવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી, જ્યાં એક મહિલા પત્રકારે દાવો કર્યાે હતો કે સરકાર દ્વારા ફરજિયાત કરાયેલા ઈ૨૦ પેટ્રોલનો ઉપયોગ શરૂ કર્યા પછી તેમની કારનું માઇલેજ અચાનક ઘટી ગયું છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો સતત બચાવ કરનારા નીતિન ગડકરીએ આ દલીલને નકારી કાઢી હતી.
તેમણે કહ્યું કે, તમે અને હું માઇલેજ ચેક કરી શકતા નથી. કારનું સાચું માઇલેજ માત્ર કંપની દ્વારા અધિકૃત ડીલરના મશીનનો ઉપયોગ કરીને જ ચેક કરી શકાય છે.આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેના થોડા દિવસો પહેલા જ ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે ઈ૨૦ પેટ્રોલના કારણે કેટલાક વાહનોમાં ઇંધણની બચત ઓછી થઈ શકે છે.SS1
