Western Times News

Gujarati News

વડોદરા ભગવાન જગન્નાથની 45મી રથયાત્રાઃ 5 ટ્રકમાં 45 ટન શિરો અને 10 હજાર કિલો કેળાનો પ્રસાદ

વડોદરામાં ભગવાન જગન્નાથની ૪૫મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ – રેલવે સ્ટેશનથી શરૂ થઈને યાત્રા બગીખાના ખાતે પૂર્ણ થશે, ૫ ટ્રકમાં ૪૫ ટન શિરાના અને ૧૦ હજાર કિલો કેળાના પ્રસાદનું વિતરણ થશે

વડોદરા, આષાઢ સુદ બીજના પાવન અવસરે ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા શ્રી જગન્નાથની ૪૫મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા રેલવે સ્ટેશનથી બપોરે ૨ઃ૩૦ વાગ્યે શરૂ થનારી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

રથયાત્રા દરમિયાન ૧૦ કિલો કેળા અને ૪૫ વિશ્વભરમાં દર વર્ષે ઇસ્કોન દ્વારા એક હજારથી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉત્સાહભેર આ મહોત્સવમાં જોડાય છે અને શહેરવાસીઓનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થાય છે. જગન્નાથ પુરીની પરંપરા મુજબ ગજપતિ મહારાજ ભગવાન શ્રી જગન્નાથના રથની પાહિંદ વિધિ કરવામાં આવે છે. આ પરંપરાને અનુસરી વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો રથયાત્રાના પ્રારંભ પહેલાં પરંપરાગત પાહિંદા વિધિ સંપન્ન કરશે.

રથયાત્રાનો પ્રારંભ બપોરે ૨ઃ૩૦ વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે. આ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો, ઇસ્કોનના આજીવન સભ્યો, શુભેચ્છકો, હરિભક્તો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પણ હજારો ભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે.

રથયાત્રા દરમિયાન ઇસ્કોન વડોદરાના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રથની પાછળ પાંચ ટ્રક મારફતે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલ ૪૫,૦૦૦ કિલોગ્રામ (૪૫ ટન) શીરો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ હજારો ભાવિકો લેશે.

રથયાત્રાનો માર્ગ વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલ કોર્ટ (ન્યાય મંદિર), મદનઝાંપા રોડ, કેવડાબાગ અને પોલો ગ્રાઉન્ડ સામે આવેલી બરોડા હાઈસ્કૂલ સુધી રહેશે. રથયાત્રા અંદાજે સાંજે ૮ વાગ્યે બરોડા હાઈસ્કૂલ ખાતે પહોંચશે.

ઇસ્કોન વડોદરાએ તમામ શ્રદ્ધાળુઓ અને નગરજનોને આ ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવમાં મોટી સંખ્યામાં સહભાગી બની ભગવાન શ્રી જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.