Western Times News

Gujarati News

અંકલેશ્વર GIDCની વરસાદી ગટરોમાં વગર વરસાદે પણ પ્રદૂષિત પાણી વહેતાં ચિંતા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ન હોવા છતાં સી ચેનલ તથા તેની આસપાસની વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી ભરાયેલું અને વહેતું જોવા મળતાં આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એન.સી.ટી., જી.ઈ.એમ.ઈ. તથા નોટિફાઈડ વિસ્તાર સત્તામંડળની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી તેમજ પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે કામગીરી શરૂ કરી હતી.

સ્થળ પર જોવા મળ્યું હતું કે સી ચેનલ હજુ પણ પ્રદૂષિત પાણીથી ભરાયેલી હતી.છતાં સી પમ્પિંગ સ્ટેશન તરફ પાણી મોકલતા પંપો બંધ હતા. એન.સી.ટી.માં જતાં પ્રદૂષિત પાણીના સંગ્રહ માટે બનાવાયેલ ગાર્ડ પોન્ડ પણ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને તેને એન.સી.ટી. તરફ મોકલવા માટેના ત્રણ પંપ પૈકી માત્ર એક જ પંપ કાર્યરત હતો.પરિણામે ગાર્ડ પોન્ડ ભરાયેલ હોવાથી વરસાદી ગટરોમાં પણ પ્રદૂષિત પાણી જોવા મળતું હતું.

પ્રદૂષણનું સતત મોનિટરિંગ કરવા માટેના આર.ઓ.સી. મીટરનો રૂમ તાળાબંધ હોવાથી સ્થળ પર પાણીની ગુણવત્તા ચકાસી શકાય તેવી સ્થિતિ નહોતી.જોકે અમરાવતી નદી તરફ પ્રદૂષિત પાણી ન જાય તે માટે ફ્‌લડ ગેટ બંધ રાખવામાં આવ્યો હોવાનું સ્થળ પર જોવા મળ્યું હતું.

આ મુદ્દે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી સાથે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ દ્વારા ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે નોટિફાઈડ વિભાગની પાઈપ લાઈનમાં ખામીઓ સર્જાતા આ સ્થિતિ ઊભી થઈ છે. હાલ નવી પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે અને તે કાર્યરત થતાં સમસ્યાનો ઉકેલ આવી જશે.

પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “હાલ વરસાદ નથી છતાં આવી સ્થિતિ છે.જો ભારે વરસાદ પડશે તો પ્રદૂષિત પાણી અમરાવતી નદી સુધી પહોંચી જવાની શક્યતા નકારી શકાય નહીં તેથી વરસાદી ઋતુ પહેલાં જ આવી જરૂરી કામગીરી પૂર્ણ થવી જોઈએ હતી.

અમે માંગ કરીએ છીએ કે પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓ અને કુદરતી જળમાર્ગોમાં જતું કાયમી ધોરણે અટકાવવામાં આવે.”પ્રકૃતિ સુરક્ષા મંડળે જણાવ્યું છે કે અગાઉ પણ આ મુદ્દે નોટિફાઈડ વિભાગને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ હવે નવી લાઈનો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.પરંતુ હાલની પરિસ્થિતિ “આગ લાગે પછી કૂવો ખોદવા” જેવી જણાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.