2018ના પાટીદાર આંદોલનનો કેસ હાર્દિક પટેલ પરથી સરકારે પરત ખેંચ્યો
File Photo
(એજન્સી)અમદાવાદ, વિરમગામના ધારાસભ્ય અને પૂર્વ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને વર્ષ ૨૦૧૮ના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કેસમાં મોટી રાહત મળી છે. ગુજરાત સરકારે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ પરત ખેંચવાની અરજી કરતાં કોર્ટે તેને મંજૂરી આપી છે.
પરિણામે હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮માં નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે રાજ્ય સરકારના નિર્ણય અને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ જાહેર હિતમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કેસમાં અગાઉ કોર્ટમાં હાજર ન રહેતાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં તેમણે હાઈકોર્ટમાં અરજી કરીને કોર્ટની કાર્યવાહી દરમિયાન હાજર રહેવાની બાહેંધરી આપતા હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ કર્યો હતો.
આ અગાઉના સમાચાર પણ વાંચો
પાટીદાર નેતા હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપમાં જાેડાયા,પાટીલે ખેસ પહેરાવી આવકાર આપ્યો
પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોએ નિકોલ વિસ્તારમાં અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, જરૂરી મંજૂરી વિના રેલી અને ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો.
રેલી રોકવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી તેમજ જાહેરનામાનો ભંગ, સરકારી ફરજમાં અડચણ અને ધમકી સહિતના આરોપો નોંધાયા હતા.
પોલીસને મળેલી બાતમીના આધારે નિકોલના દયાવાન ફાર્મ વિસ્તારમાંથી કેટલાક ઁછછજી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના દાવા મુજબ કાર્યકરોએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા, સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો અને કાયદો-વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કર્યો હતો.
કોર્ટે નોંધ્યું કે સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને શારીરિક કે આર્થિક નુકસાન થયું નહોતું. સરકારી પક્ષે રજૂ કર્યું કે કેસ પરત ખેંચવાનો નિર્ણય જાહેર હિત, સામાજિક સૌહાર્દ અને શાંતિ જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે. કોર્ટને તેમાં કોઈ દુર્ભાવના ન જણાતા અરજી મંજૂર કરીને હાર્દિક પટેલ સહિતના તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા હતા.
