Western Times News

Gujarati News

Ahmedabad: 39 કરોડથી વધુનો ફટાકડાનો જથ્થો ઝડપાયો; અંબિકા ફટાકડાના માલિક સામે કાર્યવાહી

  • ગેરકાયદે ફટાકડા જપ્ત: અંબિકા ફટાકડાના ગોડાઉન અને સ્ટોર સીલ, બેની ધરપકડ

અમદાવાદમાં આવેલી અંબિકા ફટાકડાની દુકાનો સીલ કરવામાં આવી-મટોડામાં પોલીસે બે ગોડાઉનમાંથી ૩૯ કરોડના ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, બે શખસોની ધરપકડ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચાંગોદરમાં પોલીસે મટોડામાંથી ૩૯.૫૭ કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. બે ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલો આ વિસ્ફોટક જથ્થો આસપાસના વિસ્તાર અને માનવજીવન માટે મોટું જોખમ ઊભું કરી રહ્યો હતો. પોલીસે બે અલગ-અલગ ગોડાઉનમાંથી કુલ ૬૫,૯૫૪ ફટાકડાના કાર્ટન જપ્ત કરી લીધા છે અને બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

21 જુલાઈના રોજ 60 દુકાનોને સીલ કરવાની કાર્યવાહી AMC દ્વારા કરવામાં આવી છે. સીલ કરાયેલા ફટાકડાના એકમોમાં રાયપુર વિસ્તારમાં આવેલા અંબિકા ફાટકાડાની દુકાન સહિત અન્યનો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 3 એકમો તોડી પાડ્યા છે. જેમાં એક વેજલપુર વિસ્તારમાં, જ્યારે 2 એકમ વસ્ત્રાલ વિસ્તારમાં છે. મ્યુનિ. દ્વારા સીલ કરાયેલા એકમમાં 58 રીટેઇલ દુકાનો અને 2 ગોડાઉનનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર, ચાંગોદર પોલીસની ટીમ મટોડામાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી. જે બાદ મોડાસર ગામ ચાર રસ્તાથી અમાથાપુરા જવાના માર્ગ પર આવેલા અંબિકા ટ્રેડ લિંક નામના સ્થળે તપાસ હાથ ધરી હતી.

અહીં બે મોટા ગોડાઉનમાં તપાસ કરતા નાના-મોટા કાર્ટનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનની બહાર પતરાવાળા શેડ અને લોબીમાં પણ ફટાકડાના બોક્સ રખાયા હતા અને લોકોની નજરથી બચાવવા માટે શેડની આગળ પડદો બાંધી દેવાયો હતો.

આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ હોવા છતાં, ત્યાં સુરક્ષાના નામે માત્ર દરવાજા પાસે ફાયર-સેફ્‌ટીની અમુક બોટલો, રેતી ભરેલી ડોલો અને પાણીની પાઇપ જ જોવા મળી હતી. ગોડાઉનના ફટાકડાના જથ્થાની સરખામણીમાં આ અગ્નિસુરક્ષા વ્યવસ્થા અપૂરતી હતી અને ફાયર સ્પ્રિન્કલર જેવી કોઈ સુવિધા ન હતી. આગ કે વિસ્ફોટના કિસ્સામાં આસપાસની મિલકત અને લોકો માટે ગંભીર જોખમ હતું.

આ મામલે પોલીસે અમિતકુમાર મોદી અને કિશન પટેલની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ ફર્મની કાયદેસરતા, લાયસન્સની સ્થિતિ, મંજૂર ક્ષમતા અને અન્ય જવાબદાર વ્યક્તિઓની સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ જે જગ્યાએ ફટાકડાનો સ્ટોક કરોડોની કિંમતમાં રાખેલો હતો, તેને હાયર વિભાગ દ્વારા પોલીસ અને મામલતદારની હાજરીમાં સીલ કરાયો.

પોલીસે જણાવ્યાનુસાર, કરોડો રૂપિયાના ફટાકડાનો જથ્થો ગોડાઉનમાં સ્ટોર કરનારા અમિતકુમાર મોદી અમદાવાદમાં શિવરંજની સ્થિત અંબિકા ફટાકડાની સાથે બાવળા અને વડોદરા થઈને કુલ ત્રણ જેટલા સ્ટોરના માલિક છે. પોલીસે આ ગોડાઉન અને સ્ટોરને સીલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી રહી.

અમદાવાદના રામોલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ૧૮ જુલાઈના રોજ થયેલા બ્લાસ્ટમાં કુલ 10 લોકોના કરુણ મોત થયા છે. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે ૨૦મી જુલાઈએ આરોપીને ઘી કાંટા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના ૨૭મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.