અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાઈ: 2 દિવસમાં 24નાં મોત
File Photo
ભૂસ્ખલન અને પૂરે અનેક વિસ્તારોમાં સર્જી તબાહી; ૪૮ કલાક માટે ભારે વરસાદનું એલર્ટ, મૃતકોના પરિવારને ૬ લાખ સહાય
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂર જેવી કુદરતી આફતોએ ભારે વિનાશ સર્જ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન વિવિધ હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં કુલ ૨૪ લોકોનાં મોત થયા છે, જ્યારે છ લોકો હજુ પણ લાપતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સૌથી વધુ અસર પૂંછ અને રાજૌરી જિલ્લાઓમાં જોવા મળી છે, જ્યાં અનેક મકાનો ધરાશાયી થયા છે અને રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
Vaishno Devi Yatra Suspended for Fourth Straight Day Amid Heavy Rain, Pilgrims Stranded in Katra The Shri Mata Vaishno Devi Yatra has remained suspended for the fourth consecutive day due to persistent heavy rainfall and adverse weather conditions.
પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારના લોરન ગામમાં સૌથી કરૂણ ઘટના બની હતી. પહાડ પરથી ભારે કાદવ અને મલબો એક કાચા મકાન પર ધસી પડતાં એક જ પરિવારના સાત સભ્યોનાં મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બચાવ દળોએ સ્થળ પર પહોંચી રાહત અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી, પરંતુ ખરાબ હવામાનના કારણે કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Jammu, Jammu and Kashmir: Administration suspended the Amarnath Yatra as a precaution due to adverse weather
A pilgrim says, “The administration has taken a commendable step by suspending the Yatra while keeping the safety of pilgrims in mind. The weather ahead is very bad,… pic.twitter.com/SH3QJIZv15
— IANS (@ians_india) July 21, 2026
ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા, શિવખોડી અને અન્ય ધાર્મિક યાત્રાઓને સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. કટરા ખાતે હજારો શ્રદ્ધાળુઓ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. વૈષ્ણોદેવી માર્ગ પર અનેક સ્થળોએ પથ્થરો પડવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. શ્રાઇન બોર્ડ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ માર્ગોને સુરક્ષિત બનાવવા સતત કામગીરી કરી રહ્યા છે.
રાજૌરી અને પૂંછ જિલ્લામાં થયેલી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૨૧ લોકોનાં મોત નોંધાયા છે. તવી અને ચિનાબ સહિતની મુખ્ય નદીઓ અને અનેક નાળાઓ જોખમી સપાટીએ વહી રહ્યા છે. રાજૌરીમાં પૂરગ્રસ્ત મનાવર નદીમાંથી હેલિકોપ્ટરની મદદથી એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને ૬ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરવા તથા અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે.
ડોડા જિલ્લામાં ભદ્રવાહથી જમ્મુ જતી બસ પર વિશાળ ખડક પડતાં બે મુસાફરોના મોત થયા હતા, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સતત વરસાદના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે અને કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
ભારતીય હવામાન વિભાગે આગામી ૪૮ કલાક માટે ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. લોકોને પહાડી વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
