વલસાડ જિલ્લાના કોપરેલી- વાપી રોડ પર ફસાયેલી ખાનગી બસમાંથી 16 મુસાફરોને બચાવાયા
સ્થાનિક પોલીસ, ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી તમામ ૧૬ મુસાફરોને સલામત બહાર કઢાયા
સુરક્ષાના કારણોસર માર્ગની બંને બાજુ બેરિકેડિંગ કરી રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરાયો
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી પાસે કોપરેલી- વાપી મુખ્ય રસ્તા પર ખાનગી બસ ફસાઈ હતી. આ બસમાં ૧૬ વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક તંત્રને આ સમાચાર પ્રાપ્ત થતા તંત્ર અને સ્થાનિક ગ્રામજનો દ્વારા રેસ્કયુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને ગ્રામ્યજનો દ્વારા બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અંભેટી ગ્રામ પંચાયતની યાદીમાં જણાવ્યા અનુસાર, મુસાફરોનું સફળ રેસ્કયૂ કર્યા બાદ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે માર્ગની બંને બાજુએ બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે અને હાલ આ રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
નાગરિકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસરવા અપીલ કરવામાં આવી છે.
