ઉમરગામ તાલુકામાં આભ ફાટ્યુંઃ 42 ઇંચ વરસાદ – ઉમરપાડામાં 34 ઇંચ વરસાદ
SDRF અને ગુજરાત પોલીસ દ્વારા ઉમરગામ અને સંજાણ વિસ્તારમાં બચાવ અને સ્થળાંતર કામગીરી કરવામાં આવી
સુરત, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની બીજી લહેરે ભારે ત્રાટક્યું છે. ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી લઈને 36 ઇંચ સુધીનો અતિભારે વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં 42 ઇંચ અને ઉમરપાડામાં 34 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે.
રસ્તાઓ, ઘરો, સોસાયટીઓ, દુકાનો અને કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી ગયું છે. મુખ્ય માર્ગો, રેલવે અંડરપાસ અને ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક કોઝવે પર પાણી ફરી વળતા સોંથી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. વીજળી ખોરવાઈ ગઈ છે અને ભારે નુકસાન થયું છે.
દમણગંગા નદીના મધુબન ડેમમાં પાણીની સપાટી સવારે 8 વાગ્યે 75.55 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. ડેમમાં 2,31,664 ક્યુસેક પાણીનો પ્રવાહ આવતાં 2,15,621 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 10 દરવાજા 4.50 મીટર સુધી ખોલાતા વાપી અને સેલવાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સતત વરસતા વરસાદને કારણે વહીવટી તંત્રના પ્રયત્નો કુદરતના આ કહેર સામે નબળા પડી રહ્યા છે.
વલસાડમાં ભારે વરસાદથી 365 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ, કોઝવે પાણીમાં ગરકાવ; તંત્રની મહત્વની અપીલ વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદને કારણે કુલ 365 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અનેક કોઝવે પાણીમાં ગરકાવ થતાં અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે,
જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાવાર બંધ રસ્તાઓમાં કપરાડા-65, ધરમપુર-65, વાંસદા-3, પારડી-74, નાના પોઢા-59, ઉમરગામ-25 અને વલસાડ-74 રસ્તાઓનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.
