Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું સઘન મોન્સૂન એક્શન

file photo

ક્લોરિન ટેસ્ટથી લઈને ફોગિંગ અને તળાવ સફાઈ સુધીની કામગીરી તેજ

જન આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા: અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરિન ટેસ્ટ, મચ્છર નિયંત્રણ અને તળાવ સફાઈની વ્યાપક કામગીરી

અમદાવાદ, મોન્સૂન દરમિયાન જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના  આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન આરોગ્યલક્ષી અને રોગપ્રતિકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોનું જોખમ ઘટાડવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નમૂનાઓ લઈ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેમજ જરૂરી સ્થળોએ ક્લોરિનનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ઝોનના સંતોષાપાર્ક, જોધપુર સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પાણીની ગુણવત્તાની ચકાસણી માટે વોટર સેમ્પલિંગ અને ક્લોરિન ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. 

આ ઉપરાંત નાગરિકોને સુરક્ષિત પીવાના પાણી અંગે જાગૃત કરવા સાથે ક્લોરિન ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એન્ટી લાર્વલ પ્રવૃત્તિ તેમજ રહેણાંક વિસ્તારોની આસપાસ પેરી-ડોમેસ્ટિક મચ્છર નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અભિયાન ચલાવી મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે.

શહેરના જળાશયો સ્વચ્છ રહે અને મચ્છરોના પ્રજનનને અટકાવી શકાય તે માટે તળાવોની સફાઈ કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવી છે. આ અંતર્ગત ઘુમા તળાવ ખાતે એરેટર (Aerator)ની કામગીરીનું નિરીક્ષણ અને સુપરવિઝન પણ સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી તળાવના પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને સ્વચ્છતા સંબંધિત કામગીરી અસરકારક રીતે આગળ વધે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોન્સૂન દરમિયાન જાહેર આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને રોકવા માટે આવી નિવારક કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા, આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા તેમજ માત્ર શુદ્ધ અને ક્લોરિનયુક્ત પાણીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.