ધોળકા, વિરમગામ અને ધંધુકામાં ભારે વરસાદ વચ્ચે 430 થી વધુ લોકોનું સ્થળાંતર, 40 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું
અમદાવાદ જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્ર સતત સતર્કઃ કલેકટર ભવ્ય વર્મા
બે આર્મી, એક NDRF અને બે SDRF ટીમો તહેનાત; અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ*
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા અતિભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં ૬૦૦ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જોકે આજે સવારે ૮ વાગ્યા બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં પરિસ્થિતિમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. છેલ્લા ચારથી પાંચ કલાક દરમિયાન ધોળકા તાલુકાના કેટલાક વિસ્તારો સિવાય અન્યત્ર નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.
તેમણે જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના સંકલિત પ્રયાસોથી સાવચેતીના ભાગરૂપે ૪૩૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે પાણીના ભરાવમાં ફસાયેલા લગભગ ૪૦ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
તેમાં ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા છ લોકોને જીડ્ઢઇહ્લની ટીમે સલામત બહાર કાઢ્યા હતા. સ્થળાંતરિત કરાયેલા લોકોમાં ૪૦ ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેઓને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતા ચારથી પાંચ મહિલાઓની સફળ પ્રસૂતિ થઈ છે અને માતા તથા નવજાત બંને સ્વસ્થ છે.
ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં DYSP ધોળકા, ધોળકા ટાઉન PI અને ધોળકા પોલીસ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. બોટ તેમજ ટ્રેક્ટરની મદદથી પાણીમાં અટવાયેલા વડીલો અને નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CMOGuj pic.twitter.com/5gXw4IsS8G
— Ahmedabad Rural Police (@AMD_RuralPolice) July 24, 2026
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધોળકા તાલુકાને સૌથી વધુ સંવેદનશીલ જાહેર કરીને ત્યાં એક આર્મી યુનિટ અને એક દ્ગડ્ઢઇહ્લ ટીમ તહેનાત કરવામાં આવી છે. બાવળા નજીક રાજકોટ હાઇવે પર આવેલી ગેલેક્સી અને ઝાયડસ ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાવાને કારણે ફસાયેલા શ્રમિકોના રેસ્ક્યુ માટે એક આર્મી અને એક જીડ્ઢઇહ્લ ટીમ કાર્યરત છે, જ્યારે વિરમગામમાં પણ એક જીડ્ઢઇહ્લ ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાઈ છે. જિલ્લામાં હાલ કુલ બે આર્મી, એક દ્ગડ્ઢઇહ્લ અને બે જીડ્ઢઇહ્લ ટીમો વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં કાર્યરત છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરો, પોલીસ અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિત સમગ્ર વહીવટી તંત્ર સતત મેદાનમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૧ રસ્તાઓ બંધ છે, જેમાં મોટાભાગના પંચાયત વિસ્તારના માર્ગોનો સમાવેશ થાય છે, જ્યારે રાજ્ય માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો છે.
તેમણે કહ્યું કે વરસાદના પાણી ઓસર્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ નુકસાનગ્રસ્ત પરિવારોને ત્વરિત સહાય પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફૂડ પેકેટની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક વિતરણ કરી શકાય.
જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આજે પણ રેડ એલર્ટ છે. આગામી કલાકો દરમિયાન સતર્કતા જાળવવી અત્યંત જરૂરી હોવાથી નાગરિકોને અનિવાર્ય કામ સિવાય ઘર બહાર ન નીકળવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
