અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ અને રાહત કામગીરી માટે તંત્ર યુદ્ધના ધોરણે સજ્જ: ઋષિકેશ પટેલ
નવા ભળેલા પંચાયત વિસ્તારો અને પશ્ચિમ ઝોનમાં (બોપલ, ઘુમા વગેરે) અને એસ.પી. રિંગ રોડને સાંકળતી લાઈનોમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રૂ. 900 કરોડના કામોના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલે શહેરના આંબલી અને ઘુમા સહિતના ભારે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી.
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં મુખ્યત્વે બે ઝોનમાં ખૂબ જ ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક અને ભારે વરસાદ પડવાને કારણે સામાન્ય સમય કરતાં પાણીના નિકાલમાં થોડો વધુ સમય લાગી રહ્યો છે. તેમ છતાં, AMCની ટીમ, મેયરશ્રી, વહીવટી અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ દ્વારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ સુચારુ રૂપે ગોઠવી દેવામાં આવી છે.
આજે સાંજે 06 વાગ્યા સુધીમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને નાગરિકોને કોઈ હાલાકી ભોગવવી નહીં પડે તેવું આશ્વાસન મંત્રીએ આપ્યું હતું.
શહેરમાં પાણી ભરાવા અને આંતરમાળખાકીય સુવિધાઓ અંગે જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અગાઉ નક્કી કરાયેલા બ્લેક સ્પોટ્સમાં પાણી ભરાવાની સમસ્યા ઘટી છે. જોકે, અમદાવાદના વિસ્તરણ અને પાછળથી અમદાવાદ મહાનગરપાલિકામાં ભળેલા નવા પંચાયત વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવાની જરૂરિયાત છે.
આ પંચાયત વિસ્તારો તથા પશ્ચિમ વિસ્તાર (બોપલ, ઘુમા વગેરે) અને એસ.પી. રિંગ રોડને સાંકળતી લાઈનો દ્વારા પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આશરે રૂ. 900 કરોડના કામોના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
રસ્તાઓ પર પડેલા ભુવા અંગે સ્પષ્ટતા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભુવા પડવા એ એક ટેકનિકલ બાબત છે, પરંતુ હાલ તંત્ર દ્વારા તેના સમારકામની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. ભવિષ્યમાં બનનારા નવા રસ્તાઓ પર આવી સમસ્યા ન સર્જાય તે માટે પણ AMC સતત ચિંતા કરી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દર્શાવાયેલા રેડ એલર્ટને ધ્યાને રાખીને વધારાના પાણીના નિકાલ માટે પણ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.
નોંધનીય છે કે, શહેરમાં સરેરાશ 18.42 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે વાસણા બેરેજના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. શહેરભરમાં 42 સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશનના 245 પમ્પ અને 83 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના 305 પમ્પ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ઝાડ પડવાની અને પાણી ભરાવાની મળતી ફરિયાદોનો કંટ્રોલરૂમ ખાતેથી SCADA (Supervisory Control and Data Acquisition) સિસ્ટમ અને CCTV મારફત રિયલ ટાઈમ મોનિટરિંગ કરીને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
