મધ્ય પૂર્વના દેશોમાં દર અઠવાડિયે ૩ ભારતીયોના મોતઃ ૩ વર્ષમાં 800 થી વધુએ ગુમાવ્યા જીવ
ગયા મહિને કતરમાં થયેલા એક વિસ્ફોટમાં ૧૨ ભારતીયોના મોત બાદ આ મામલે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે
નવી દિલ્હી,વિદેશમાં કામ કરવા માટે ગયેલા ભારતીય નાગરિકોના જીવનને લઈને એક ખૂબ જ ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની વચ્ચે વિદેશમાં કામ કરતી વખતે ૮૦૦ થી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આમાંથી ૫૫% મોત માત્ર ખાડી (Gulf) દેશોમાં થયા છે. જ્યાં સરેરાશ દર અઠવાડિયે લગભગ ૩ શ્રમિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ગયા મહિને કતરમાં થયેલા એક વિસ્ફોટમાં ૧૨ ભારતીયોના મોત બાદ આ મામલે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.વિદેશી દેશોની યાદીમાં સાઉદી અરેબિયા મોખરે છે. જ્યાં ૩ વર્ષમાં સૌથી વધુ ૧૮૨ મોત નોંધાયા છે, એટલે કે દર અઠવાડિયે એક કરતા વધુ ભારતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે.
ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (UAE) નો નંબર આવે છે. જ્યાં ૧૨૮ મોત થયા છે. આ ઉપરાંત, ખાડી દેશોમાંથી જ આત્મહત્યાના સૌથી વધુ કેસો પણ સામે આવ્યા છે. જે ત્યાં કામ કરતા પ્રવાસી શ્રમિકોના કઠોર સંઘર્ષાેને ઉજાગર કરે છે.તેલંગાણા એનઆરઆઈ માઈગ્રન્ટ્સ એસોસિએશન અને વિશેષજ્ઞોના મતે, આ મોત પાછળ અનેક મોટા કારણો જવાબદાર છે.
સુરક્ષા નિયમોની અનદેખીઃ શ્રમિકો દ્વારા હેલ્મેટ, જૂતાં અને મોજા જેવા સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ ન કરવો અથવા કંપનીઓ દ્વારા સુરક્ષા પ્રોટોકોલનું પાલન ન કરાવવું. ઘણીવાર શ્રમિકો પણ જોખમોથી અજાણ રહે છે.ખતરનાક તાપમાનમાં કામઃ ઘણા શ્રમિકો ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં કામ કરે છે અને પછી ૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના ઠંડા રૂમમાં પાછા ફરે છે.
શરીર પર પડતા આ અચાનક ૨૦ થી ૨૫ ડિગ્રીના તાપમાનના તફાવતથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા થાય છે.જોખમી ક્ષેત્રોઃ મોટાભાગના ભારતીયો ખાડી દેશોમાં કન્સ્ટ્રક્શન, રિટેલ, વેરહાઉસ અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે, જ્યાં અકસ્માતનું જોખમ ઘણું વધારે હોય છે.એસોસિએશનના જણાવ્યા અનુસાર, શ્રમિકોમાં આત્મહત્યાના કેસો પાછળ ખરાબ રહેણી-કરણી જવાબદાર છે.
શ્રમિકોને અત્યંત તંગ જગ્યાઓ પર રહેવું પડે છે અને ખાવાની ગુણવત્તા પણ સારી હોતી નથી. શ્રમિકો દિવસમાં ૧૨-૧૨ કલાક કામ કરે છે, પરંતુ ઘણીવાર તેમને ૩ મહિના સુધી વેતન મળતું નથી. સેલરી મળવા પર પણ મનમાની રીતે પૈસા કાપી લેવામાં આવે છે, જેનાથી તેમનો માનસિક તણાવ વધુ વધી જાય છે. ઘણી નિયોક્તા કંપનીઓ કામ દરમિયાન થયેલા મોતને કુદરતી મોત (જેમ કે હાર્ટ અટેક) બતાવીને પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી કરી લે છે.
ખૂબ ઓછી કંપનીઓ વીમા દ્વારા વળતર આપે છે.આ આંકડાઓને જોતા વિદેશ મંત્રાલય (MEA) નું કહેવું છે કે સરકાર વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અને ભલાઈને સર્વાેપરી રાખે છે. નવી દિલ્હીની સાથે-સાથે દુબઈ, રિયાદ અને જેદ્દાહ જેવા શહેરોમાં ‘પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર’ બનાવવામાં આવ્યા છે. ભારતીય મિશન સતત લેબર વિંગના માધ્યમથી કામ કરી રહ્યા છે. દૂર-દરાજ વિસ્તારોમાં જઈને ઓપન હાઉસ અને કેમ્પ લગાવવામાં આવે છે જેથી શ્રમિકોની સમસ્યાઓ સાંભળી શકાય. SS1
