Western Times News

Gujarati News

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવેથી આંબલી રોડ પર ઉભી રહેશે

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લોકોને સાબરમતી સુધી જવું પડશે નહિં -સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ જંક્શન, જામનગર અને દ્વારકા જવાનું તથા આવવાનું સરળ પડશે

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે હવે સાબરમતી (જેલ સાઇડ) SBT સ્ટેશન પરથી થશે સંચાલન-સુધારેલી સમયસારણી 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે

મુસાફરોની સુવિધા, વધુ સારી રેલ કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ–ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે.

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22925/22926) રસ્તામાં સાબરમતી જંક્શન, સાણંદ, વિરમગામ જંક્શન, સુરેન્દ્રનગર, વાંકાનેર જંક્શન, રાજકોટ જંક્શન, જામનગર અને દ્વારકા જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાય છે.

સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે. ઉપરાંત, અમદાવાદના ઝડપથી વિકસતા પશ્ચિમ વિસ્તારના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.

સુધારેલી સમય-સારણી

ટ્રેન નંબર 22925 સાબરમતી–ઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઑગસ્ટ, 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) સાબરમતીથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 06:23 વાગ્યે પહોંચશે અને 06:25 વાગ્યે પ્રસ્થાન કરીને 13:20 વાગ્યે ઓખા પહોંચશે.

તે જ રીતે, ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી 16:45 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 22:40 વાગ્યે પહોંચશે અને 22:42 વાગ્યે પ્રસ્થાન કરીને 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.

આંબલી રોડ સ્ટેશનને પ્રથમ વખત મળશે વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ

આ નિર્ણય સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. તેના પરિણામે શહેરના પશ્ચિમ વિસ્તાર, એસ.જી. હાઇવે, બોડકદેવ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, શેલા તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ અનુકૂળ, સમયની બચત કરાવતી અને આધુનિક રેલ સેવાનો લાભ મળશે.

બુકિંગ સંબંધિત માહિતી

વર્તમાન સમય-સારણી અનુસાર ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 15 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 16 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.