NEET વિવાદ વચ્ચે પ્રહલાદ જોશીએ સંભાળ્યો શિક્ષણ મંત્રાલયનો પદભાર: રજાના દિવસે જ યોજી ઈમરજન્સી બેઠક, શું પરીક્ષા પદ્ધતિ બદલાશે?
- NEET પેપર લીક કાંડ વચ્ચે શિક્ષણ મંત્રાલયમાં ફેરફાર: પ્રહલાદ જોશી સામે પરીક્ષા પ્રણાલી સુધારવાનો પડકાર
-
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશી નવા શિક્ષણ મંત્રી: NEET-UG પરીક્ષામાં મોટા ફેરફારોના એંધાણ, બે તબક્કામાં યોજાઈ શકે છે એક્ઝામ!
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જોશીના હાથમાં સોંપવામાં આવી છે. પદભાર સંભાળતા સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મંત્રાલય હવે રાહ જોવાના મૂડમાં નથી. રવિવાર જેવા રજાના દિવસે પણ તેઓ મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી.
નીટ પેપર લીક વિવાદે દેશની પરીક્ષા પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની નજર હવે નવા શિક્ષણ મંત્રીના પહેલા નિર્ણયો પર છે. સવાલ માત્ર એ નથી કે નવા મંત્રી કોણ છે, પરંતુ એ પણ છે કે શું હવે પરીક્ષા વ્યવસ્થામાં ખરેખર મોટા ફેરફારો જોવા મળશે કે પછી આ બધું માત્ર કાગળો પૂરતું જ રહેશે.
પ્રહલાદ જોશીએ એવા સમયે શિક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી છે, જ્યારે સરકાર પર પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો ફરીથી વિશ્વાસ સ્થાપિત કરવાનું સૌથી મોટું દબાણ છે.નીટ-યુજી પેપર લીક વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીથી લઈને સમગ્ર પરીક્ષા પ્રણાલીની કામગીરી પર સવાલો ઊભા થયા છે. સરકાર પહેલેથી જ પેપર લીક સામે કડક કાયદો લાવવાની તૈયારી કરી ચૂકી છે.
હવે ચર્ચા છે કે નીટ-યુજી જપરીક્ષામાં પણ મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ મુજબ, ભવિષ્યમાં પરીક્ષાને કમ્પ્યુટર આધારિત બનાવવામાં આવી શકે છે અને બે તબક્કામાં યોજવા જેવા વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે. જોકે આ ફેરફારો અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ નવા શિક્ષણ મંત્રી સામે પરીક્ષા પ્રણાલીને પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો સૌથી મોટો પડકાર હશે.
NEW EDUCATION MINISTER PRAHLAD JOSHI AFTER TAKING CHARGE 🗣️#EducationMinister #AyusoDimisión #मन_की_बात pic.twitter.com/M228Rrr2Jq
— Vaibhav Binod (@VaibhavBinod) July 26, 2026
રવિવારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સત્તાવાર રીતે શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પદભાર સંભાળ્યા બાદ તરત જ તેમણે સિનિયર અધિકારીઓ સાથે સંક્ષિપ્ત સમીક્ષા બેઠક કરી. પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. તેમની પાસે પહેલેથી જ નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયની જવાબદારી છે.
ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે, “મારા માટે આ વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી અને છેલ્લા દસ દિવસમાં જે ઘટનાઓ બની, તેનાથી હું વ્યથિત છું.” તેમના રાજીનામા બાદ પ્રધાનમંત્રીની સલાહ પર શિક્ષણ મંત્રાલયની વધારાની જવાબદારી પ્રહલાદ જોશીને સોંપવામાં આવી.
પ્રહલાદ જોશી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ કર્ણાટકના ધારવાડ લોકસભા વિસ્તારમાંથી સતત પાંચ ટર્મથી સાંસદ છે. સંગઠન અને સંસદીય કાર્યોમાં તેમના લાંબા અનુભવને ધ્યાનમાં લઈને પાર્ટી નેતૃત્વે તેમને આ વધારાની જવાબદારી સોંપી છે.
નવા શિક્ષણ મંત્રી સામે સૌથી મોટો પડકાર પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ પાછો લાવવાનો છે. નીટ પેપર લીક વિવાદ બાદ સરકાર પર એનટીએમાં સુધારા, પરીક્ષા સુરક્ષાને મજબૂત બનાવવા અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગડબડ અટકાવવાનું દબાણ છે.
આ ઉપરાંત નવી શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ, સીબીએસઈ અનએનસીઈઆરટી સાથે જોડાયેલા સુધારા, ભરતી પરીક્ષાઓની પારદર્શિતા અને પરીક્ષા પ્રક્રિયામાં ટેક્નોલોજીના વધુ સારા ઉપયોગ જેવા અનેક મહત્ત્વના મુદ્દા પણ તેમની સામે હશે.
