Western Times News

Gujarati News

નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય તો તાત્કાલીક પોલિસ સ્ટેશને ‘જાણવાજોગ ફરિયાદ’ નોંધાવવી ફરજિયાત

ગુનાહિત પ્રવૃત્તિમાં દુરુપયોગ અટકાવવા ‘જાણવાજોગ ફરિયાદ’ નોંધાવવી ફરજિયાત

વરસાદમાં વાહનની નંબર પ્લેટ ખોવાઈ જવા મામલે ટ્રાફિક પોલીસે જારી કરી ગાઈડલાઈન

(એજન્સી)અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પડેલા અનરાધાર વરસાદ અને તેના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકાર તથા પૂર જેવી સ્થિતિને કારણે વાહનચાલકોને ભારે નુકસાની વેઠવી પડી છે.

રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે પાણીના તીવ્ર પ્રવાહ અને દબાણના લીધે અસંખ્ય ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોની નંબર પ્લેટો તૂટીને પાણીમાં વહી ગઈ હોવાના અથવા ક્યાંક પડી ગઈ હોવાના સેંકડો બનાવો સામે આવ્યા છે.

રસ્તા પરથી નંબર પ્લેટ ગાયબ થઈ જવાના કારણે વાહનચાલકો અત્યારે રોડ પર નીકળતા ડરે છે કે ક્યાંક પોલીસ તેમને પકડીને મોટો દંડ ન ફટકારે. આ કાનૂની ગૂંચવણ અને ભયમાંથી નાગરિકોને બહાર લાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક વિશેષ અને તાકીદની એડવાઇઝરી (માર્ગદર્શિકા) જારી કરી છે.

ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, જો વરસાદી પાણીમાં તમારા વાહનની નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય તો તેને હળવાશથી ન લેવી જોઈએ. વાહન માલિકે સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક પોતાના નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ.

આનું મુખ્ય કારણ એ છે કે જો તમારી ખોવાયેલી અસલી નંબર પ્લેટ કોઈ અજાણ્યા બદમાશ, ચોર કે આતંકી તત્વોના હાથમાં આવી જાય અને તેઓ તેનો ઉપયોગ કોઈ લૂંટ, ચોરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે પોતાના વાહન પર લગાવીને કરે, તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સીધી મૂળ વાહન માલિકની ધરપકડ કરી શકે છે. આ મોટી મુશ્કેલીથી બચવા માટે પોલીસ મથકે ‘જાણવાજોગ ફરિયાદ’ રજીસ્ટર કરાવી તેની નકલ મેળવી લેવી કાયદાકીય રીતે અત્યંત રક્ષણાત્મક છે.

પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવા માટે વાહન માલિકે પોતાના વાહનની અસલી આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ અને કોઈ પણ એક માન્ય સરકારી ઓળખપત્ર સાથે રૂબરૂ જવાનું રહેશે.

બીજી તરફ, ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે રોડ-રસ્તાની સફાઈ દરમિયાન સફાઈ કર્મચારીઓ અને જાગૃત નાગરિકો દ્વારા રસ્તા પરથી મળી આવેલી સેંકડો નંબર પ્લેટો અલગ-અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનો ખાતે જમાકરાવવામાં આવી છે. વાહન માલિકો પોલીસ સ્ટેશને જઈને આ જમા થયેલી પ્લેટોની યાદી ચેક કરી શકે છે અને જરૂરી પુરાવા રજૂ કરીને પોતાની નંબર પ્લેટ ચકાસણી બાદ વિનામૂલ્યે પરત મેળવી શકે છે.

જો તમામ પ્રયાસો છતાં ખોવાયેલી નંબર પ્લેટ શોધી શકાશે નહીં, તો ટ્રાફિક પોલીસ દ્વારા નિયમાનુસાર તપાસ કરીને ‘ક્લોઝર રિપોર્ટ’ (ગેરહાજર અહેવાલ) આપવામાં આવશે. આ સત્તાવાર ક્લોઝર રિપોર્ટ મેળવ્યા બાદ, વાહનચાલક ઓનલાઈન અથવા પોતાની સંબંધિત પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે અરજી કરીને પોતાના વાહન માટે નવી અધિકૃત ૐજીઇઁ નંબર પ્લેટ મેળવવાની પ્રક્રિયા કાયદેસર રીતે હાથ ધરી શકશે.

પોલીસે તમામ નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અને નંબર પ્લેટ વગર વાહન ન ચલાવીને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડયો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરાયેલા પાણીમાં તથા વરસાદના કારણે વાહનોમાંથી નંબર પ્લેટ તૂટી જવાની અને ખોવાઈ જવાની અનેક ફરિયાદો ઉઠી છે અને પોલીસને પણ આવી નંબર પ્લેટો મળતા તાત્કાલિક પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.