અમદાવાદમાં ૩ દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીમાં ફસાયેલા અનેક વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી
અમદાવાદના ૨૧ વિસ્તારમાં સિઝનનો ૨૦ ઈંચથી વધુ વરસાદ
અમદાવાદ,અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ રવિવારે મેઘરાજાએ વિરામ લીધો હતો અને મોટાભાગના વિસ્તારમાં રવિવારે મોડી સાંજ સુધી છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. ચોમાસાની વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં સરેરાશ ૧૯.૧૯ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ૫૩.૩૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદના ૨૧ વિસ્તારમાં ૨૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.અર્બન હેલ્થમાં ૨૭.૫૫ ઈંચ, સરખેજમાં ૨૭.૨૮ ઈંચ અને બોપલમાં ૨૭.૧૮ ઈંચ વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો સાઉથ ઝોન-નોર્થ ઝોનમાં ૧૬ ઈંચ, સેન્ટ્રલ ઝોન-વેસ્ટ ઝોનમાં ૨૦ ઈંચ, સાઉથ વેસ્ટ ઝોનમાં ૨૫.૨૭, નોર્થ વેસ્ટ ઝોનમાં ૨૩.૬૫ ઈંચ, ઈસ્ટ ઝોનમાં૧૩.૨૦ ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.
જેમાં આજથી ચાર દિવસ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટના ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીમાં ફસાયેલા અનેક વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. પોલીસે રસ્તા પરથી મળેલી પ૦૦થી વધુ નંબર પ્લેટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. ત્યારે આ નંબર પ્લેટ મેળવવા કે નવી નંબર પ્લેટ મેળવવા માટે વાહનચાલકોને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે.SS1
