108માં મહિલાની સફળ ડિલિવરી: અમદાવાદના બગોદરા પાસે રોડ પર જ જળબંબાકાર વચ્ચે ‘108’ એ જીવનદાત્રી બની
પૂરની સ્થિતિ વચ્ચે ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડતી વખતે રસ્તામાં જ પ્રસુતિ પીડા ઊપડતા 108ની ટીમ મદદે આવી
કોલ સેન્ટર ડોક્ટરની ટેલિફોનિક સલાહથી ઈ. એમ.ટી. અને પાયલટે રસ્તા પર જ 108માં માતાની ડિલિવરી કરાવી
અતિવૃષ્ટિના કોપ વચ્ચે નવજાત તંદુરસ્ત બાળકીના આગમનથી પરિવારે 108ની કામગીરીને વધાવી
સમગ્ર અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂર જેવી કટોકટીની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર અને સંવેદનશીલ આરોગ્ય સેવાઓનો એક અનેરો માનવતાવાદી ચહેરો સામે આવ્યો છે. ગાંગડ ગામની એક કંપનીમાં મજૂરી કામ કરતા પરિવારની પ્રસુતા મહિલા માટે 108 એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં ‘દેવદૂત‘ સાબિત થઈ છે.
બાવળા તાલુકાના ગાંગડ ગામે મજૂરી કામ કરતા કેકડીબહેન પિન્ટુભાઈ મેડાને અચાનક ઉપડેલી પ્રસુતિ પીડા બાદ તાત્કાલિક 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ બગોદરા લોકેશનની 108 એમ્બ્યુલન્સ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર દોડી ગઈ હતી. ઈ.એમ.ટી. શ્રી ચંદુભાઈ પંડ્યા અને પાયલટ શ્રી પ્રેમજીભાઈ પરમાર દર્દીને તાત્કાલિક નજીકના પી.એચ.સી. કોઠ ખાતે લઈ જઈ રહ્યા હતા.
અતિવૃષ્ટિના કારણે રસ્તા પર ચારેય તરફ પાણી ભરાયેલા હતા. એમ્બ્યુલન્સ હોસ્પિટલની નજીક પહોંચવા જ આવી હતી ત્યાં જ મહિલાને અસહ્ય પીડા ઊપડતા હોસ્પિટલ પહોંચવું અશક્ય બન્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને 108ના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન શ્રી ચંદુભાઈ પંડ્યાએ વિલંબ કર્યા વગર 108ના કોલ સેન્ટરના ડૉ. ચિરાગ સાથે સંપર્ક સાધ્યો હતો.
ડૉ. ચિરાગની તબીબી માર્ગદર્શિકા અને સલાહ મુજબ ચંદુભાઈ અને પાયલટ પ્રેમજીભાઈ પરમારે કુશળતા દર્શાવીને એમ્બ્યુલન્સમાં જ રસ્તા પર સફળ ડિલિવરી કરાવી હતી. ભારે વરસાદ અને કુદરતના કોપ વચ્ચે એમ્બ્યુલન્સમાં એક તંદુરસ્ત બાળકીની કિલકારી ગૂંજી ઉઠી હતી. ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકીને જરૂરી દવાઓ અને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત પી.એચ.સી. કોઠ ખાતે ખસેડાયા હતા.
મુશ્કેલ પરિસ્થિતિમાં દર્દીના જીવના જોખમે કરાયેલી આ સરાહનીય કામગીરી બદલ દર્દીના સગાંઓ અને ગ્રામજનોએ 108 સેવાની પ્રશંસા કરી હતી. અમદાવાદ જિલ્લામાં અતિવૃષ્ટિની આપદા વચ્ચે વહીવટી તંત્રની બચાવ કામગીરી અને આરોગ્ય ટીમની આવી સંવેદનશીલ કામગીરીને 108 સેવાના પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર શાહી તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. શૈલેષ કાપડિયાએ બિરદાવીને સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.
