રથયાત્રા રંગેચંગે પૂર્ણ થાય તેવી મુખ્યમંત્રીએ કામના કરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભગવાન જગન્નાથની કૃપા ગુજરાત પર વરસતી રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી વાંછના કરી છે. અમદાવાદ મહાપાલિકા અને રાજ્ય સરકારે આ યાત્રા સફળતાપૂર્વક પાર પડે તેમજ ભક્તોને પૂરતી સગવડ મળે તેની વ્યવસ્થાઓ ગોઠવી છે.
વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પ્રતિવર્ષ ભગવાનને પ્રસાદ ધરાવાય છે તે પરંપરા આ વર્ષે પણ તેમણે જાળવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ અષાઢી બીજની આ રથયાત્રાના દિવસે વહેલી સવારે મંગળા આરતીનો લ્હાવો લેવા દર વર્ષની જેમ આજે સવારે આવી પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં પરંપરાગત યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન સાથે જગન્નાથજીની આરતી ભક્તિપૂર્વક કરી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ આપી હતી તેમજ અષાઢી બીજ કચ્છીઓનું નવું વર્ષ છે ત્યારે ગુજરાત અને ગુજરાત બહાર વસતા સૌ કચ્છી ભાઈ-બહેનોને નૂતન-વર્ષ શુભકામનાઓ પાઠવી હતી.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલબેન પટેલ, મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ તેમજ શ્રી મહેન્દ્રભાઈ ઝહા વગેરે પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.