Western Times News

Gujarati News

રથયાત્રા દરમિયાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત

(પ્રતિનિધિ) અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભારે હર્ષોઉલ્લાસ વચ્ચે પ્રારંભ થયો છે અને પરંપરાગત રૂટ પર ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવાના છે છેલ્લા ઘણા વર્ષોથી કોમી એખલાસના વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય છે.

ત્યારે આ વખતે પણ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ માટે એનએસજીના કમાન્ડો, અર્ધ લશ્કરી દળો, રેપીડ એકશન ફોર્સના જવાનો ઉપરાંત રપ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે.
રથયાત્રાના પ્રારંભ સાથે જ સુરક્ષાદળના જવાનો એલર્ટ થઈ ગયા છે શહેરમાં છેલ્લા ૪ દિવસથી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

રથયાત્રાના રૂટ ઉપરાંત શહેરમાં કુલ ૪પ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે અને ૬ થી વધુ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે જેના મારફતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત અત્યંત આધુનિક ડ્રોન વિમાન દ્વારા સતત રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ તંત્ર દ્વારા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને ત્રણેય રથોની સુરક્ષાની જવાબદારી કમાન્ડોને તથા અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચના અધિકારીઓને સોંપવામાં આવી છે વહેલી સવારે પરંપરાગત રીતે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે ત્રણેય રથોની સાથે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ અને કમાન્ડો તેમની સાથે જ જાડાઈ ગયા છે.

આ ઉપરાંત શહેરમાં ખાસ કરીને રથયાત્રાના રૂટ પર અર્ધ લશ્કરી દળોના જવાનો, રેપીડ એકશન ફોર્સના જવાનો તથા એસઆરપીની ટુકડીઓ સતત પેટ્રોલીંગ કરી રહી છે આ પરિસ્થિતિ નિરીક્ષણ કરવામાં આવી રહયું છે આ વખતે રથયાત્રાના રૂટમાં આવતા ૮ પોલીસ સ્ટેશનોમાં મીની કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને આ કંટ્રોલ રૂમમાં ગઈકાલ રાતથી જ અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. રથયાત્રામાં સુરક્ષા માટે રપ હજારથી વધુ પોલીસ જવાનો છેલ્લા બે દિવસથી તૈનાત કરી દેવાયા છે અને તેઓ આજ સવારથી જ ખડેપગે છે.

પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની તમામ કાર્યવાહીનું મોનીટરીંગ રાજયના ગૃહવિભાગ દ્વારા પણ કરવામાં આવી રહયું છે. અમદાવાદ ઉપરાંત ભાવનગર, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પરંપરાગત રીતે યોજાતી રથયાત્રામાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને વહેલી સવારથી જ તમામ સ્થળો પર ભારે ઉત્સાહપૂર્વક રથયાત્રા યોજાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.