Western Times News

Gujarati News

મોતની સવારી : અરવલ્લીમાંથી બેખૌફ વાહનોના છાપરે મુસાફરો, હોળીનો તહેવાર નજીક હોય રાજસ્થાની શ્રમિકોની મોતની સવારી 

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા તેમજ જિલ્લાના અન્ય સ્થળોથી જીપ અને ખાનગી બસોના છાપરે ખીચોખીચ ભરીને મુસાફરોને લઈ જવાતા હોવા છતાં જિલ્લાનું પોલીસતંત્ર તેમજ આરટીઓએ ગર્ભિત ચૂપકિદી સેવી તમાશો જોઈ રહ્યા છે. અધધ કહી શકાય તેટલા મુસાફરોને જીવના જોખમે લઈ જવાતા હોવા છતાં તંત્રને કંઈ દેખાતું નથી. એક તરફ હોળીનો તહેવાર હોવાથી પોતાના વતન રાજસ્થાન તરફ જવા માટે શ્રમિક  મુસાફરોની મજબુરીનો ફાયદો ઉઠાવી ખાનગી વાહન ચાલકો ઘેટાં બકરાની જેમ મુસાફરો ભરી વાહનો હંકારી મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે

મોડાસા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અજગરી ભરડો લઈ રહી છે. શહેરના હાર્દ સમા ચાર રસ્તાથી વિસ્તારમાંથી માલપુર તેમજ મેઘરજ અને હિંમતનગર તથા શામળાજી અને રાજસ્થાન તરફ જવા માટે ખાનગી વાહનોનો ખડકલો જામે છે. દિવસભર ખાનગી વાહનચાલકો ઘેટા બકરાંની માફક ખીચોખીચ વાહનોમાં મુસાફરોના જીવના જોખમે ભરી આવાગમન કરે છે. આરટીઓના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા ખાનગી વાહનચાલકોને દંડવાને બદલે એકલ દોકલ દ્વિચક્રી વાહનચાલકોને દંડે છે

ત્યારે જીવના જોખમે મુસાફરી કરાવતા આ ખાનગી વાહનચાલકો પર કેમ મીઠી નજર રાખે છે કે કેમ ? તે સમજાતું નથી. ઓફિસ અવર્સ દરમિયાન વાહનચાલકોને દંડતા આ અધિકારીઓ જીપો ભરાવાના સમયે ઉડન છુ થઈ જાય છે અથવા તો આ દિશામાં જોતા જ નથી. આ પરિસ્થિતિ મોડાસા શહેરની હોવા છતાં સામાન્ય નાગરિકોને દંડતી પોલીસ મોતની મુસાફરી કરાવનારાઓ તરફ પણ જુવે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. બેફામ રીતે અને ખીચોખીચ ભરેલા આવા વાહનોને લઈને શહેર ટ્રાફિક પોલીસના આંખ મીંચામણા સમજાતા નથી. એક તરફ હોળીનો તહેવાર હોવાથી પોતાના વતન રાજસ્થાન તરફ જવા માટે પણ મુસાફરોની ભીડ છે. ત્યારે મુસાફરોની ભીડને પહોંચી વળવા તંત્ર દ્વારા કોઈક સુરક્ષીત પગલાં ભરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.