સિવિલ ખાતે વીડિયો કોલિંગ સેન્ટર કમ હેલ્પ ડેસ્ક – દર્દીથી દૂર રહીને પણ નજીક રહેતાં સ્વજનો
વીડિયો કોલિંગથી માતા જોડે વાત કરવાથી રૂબરુ મળ્યાનો અહેસાસ થયો… અમ્મીને પણ સારું લાગ્યું.. … – રૂબીનાબેન
કોરોના સંક્રમણે વિશ્વ આખાને તેના ભરડામાં લીધું છે. ગુજરાત પણ તેમાંથી બાકાત રહ્યુ નથી. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને તમામ દર્દીઓની એક જ જગ્યાએથી સારવાર કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની નવી હોસ્પિટલને કોરોના દર્દીઓની સારવાર માટેની અલગ હોસ્પિટલમાં ફેરવી નાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં રાજ્યભરના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દર્દીઓને સાથે તેમના સ્વજનો પણ આવે છે. સામાન્ય રીતે દવાખાને દર્દીઓને દાખલ કરવામાં આવે તો દર્દીની સાથે તેમના સગા વ્હાલા તો આવે જ છે પરંતુ દાખલ કર્યા બાદ તેમના સ્વાસ્થ્યના ખબર -અંતર પૂછવા પણ સ્વજનો આવતા રહેતા હોય છે.
કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર-અંતર પૂછવા પણ આવા અનેક સ્નેહીજનો અને આપ્તજનો આવતા રહેતા હોય છે. પરંતુ જો તેમને આ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવે તો આ કોરોનાનું સંક્રમણ થાય એવો ભય રહે છે.
આ માટે હોસ્પિટલથી થોડે દુર વીડિયો કોલિંગની સવલત ઉભી કરવામાં આવી છે. હેલ્પ ડેસ્ક ખાતે ઊભી કરવામાં આવેલી આ સગવડ ખાતે પાંચ મોબાઈલ ફોન રાખવામાં આવ્યા છે. જેના દ્વારા દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દી સાથે વાતચીત કરી શકે છે. આ ઉપરાંત હોસ્પિટલના દરેક વોર્ડમાં પણ મોબાઈલ ફોન રાખવામાં આવ્યા છે કે જેના દ્વારા દર્દીના સગાને દાખલ કરવામાં આવેલ દર્દી સાથે વાત કરાવાય છે.
સિવિલ હોસ્પિટલ ખાતે આવા જ એક દર્દીના સગા રૂબીનાબેન આવ્યા હતા.તેમના મમ્મી કે જે 65 વર્ષના છે. તેમનું નામ હસીનાબીબી અબ્દુલ રહેમાન મહેરબાન તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
રૂબીનાબહેન કહે છે કે, ‘ મારી અમ્મીને માત્ર બે દીકરીઓ છે. જેમાંની હું અમદાવાદમાં રહું છું. બીજી દીકરી બીજે રહે છે લોક ડાઉનને કારણે હોસ્પિટલ ખાતે આવી શકે તેવી સ્થિતિમાં નથી… અમારે કોઈ ભાઈ નથી. મમ્મીને રૂબરૂ મળવાની ખૂબ જ ઇચ્છા છે, પરંતુ કોરોનાના સંક્રમણની લીધે હું અમ્મીને મળી શકતી નથી. તેવા સમયે આ વીડિયો કોલિંગની સગવડ મારા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે…” એમ તેઓ ઉમેરે છે.
રૂબીનાબહેન જેવા દર્દીઓની વેદનાને વાંચી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વીડિયો કોલિંગ માટે ૫ મોબાઇલની અલગથી વ્યવસ્થા કરાઈ છે. જેના દ્વારા દર્દીના સગા હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે પોતે બાજુમાં બેઠા હોય તેવા અનુભવ સાથે વાત કરી શકે છે. અને એક દર્દીના સગા કહે છે કે હું છેલ્લા છ દિવસથી અહીં રહું છું ખરેખર કહું છું કે અહીંયા કોઈપણ પ્રકારની તકલીફ નથી એક દર્દીની સાથે અહીં ક્યારેક 15- 20 લોકો આવી જાય છે .જો દરેક દર્દીની સાથે આટલા બધા લોકો આવે તો હોસ્પિટલ બધાની વ્યવસ્થા અહીં કેવી રીતે કરી શકે? એમ છતાં અમારે માટે અહીંયા ડોમમાં બેસવાની વ્યવસ્થા, ટી.વી.ની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા… આ બધું જ છે… હોસ્પિટલ પણ કેટલું કરે ? મને લાગે છે કે આનાથી વધારે અપેક્ષા રાખવી તે વ્યાજબી નથી ….” એમ તેઓ કહે છે
ઉત્તર ગુજરાત માંથી આવેલા દર્દીના સગા તો એટલે સુધી કહે છે કે ‘ અહીંયા બેઠા બેઠા સામાન્ય જો તાવ શરદી કે માથું દુખવા જેવું લાગે તો તંત્ર દ્વારા અમને અહીંયા દવા પણ આપવામાં આવે છે ખરેખર ખૂબ પ્રશંસનીય કામ છે..” આમ, આ વીડિયો કોલિંગથી એકબીજાની લાગણીઓ પણ વહેંચી શકાય છે. એ અર્થમાં ‘અમે દૂર રહીને પણ દર્દીની નજીક રહી શકીએ છીએ …”તેવો મત આ બધા લોકો વ્યક્ત કરે છે. ઉપરાંત આ વીડિયો કોલિંગથી સામાજિક અંતર પણ જાળવી શકાય છે.
તે ઉપરાંત સિવિલમાં બિનજરૂરી ભીડને ટાળી શકાય છે. જેથી મેડિકલ સ્ટાફ પણ તેમની સારવાર વ્યવસ્થિત રીતે કરી શકે છે. હેલ્પ ડેસ્ક દ્વારા આ ઉપરાંત દર્દીના સગા, દાખલ કરેલ દર્દીને કશુંક પહોંચાડવા માંગતા હોય તો હોસ્પિટલના થેલા પર જે- તે દર્દીનું ટેકીંગ કરીને તે દર્દી સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવે છે.ધાર્મિકપુસ્તકો, ચશ્મા, દવા જેવી વસ્તુઓ મોટાભાગે આ રીતે લોકો મોકલતા હોય છે તેમ હેલ્પ ડેસ્કના કર્મચારીઓ કહે છે.
આમ, ટેકનોલોજી ના સથવારે હેલ્પ ડેસ્ક અને વીડિયો કોલિંગની સુવિધા ખરેખર દર્દીઓ માટે અને દર્દીના સગા માટે આશીર્વાદરૂપ બની રહી છે.