Western Times News

Gujarati News

ભૂખ્યાને ભોજનનો સેવાયજ્ઞ ચલાવતા બાવળાના અનોખા માનવ

 રોજ એક હજાર લોકોની જઠરાગ્નિ ઠારતા સેવાભાવી પ્રવીણભાઈ વાઘેલા

આખા વિશ્વ પર કોરોના મહામારીનો ભરડો લેવાયો છે જેમાં ભારત દેશની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે . આપણો દેશ ગામડાઓનો બનેલો છે જેથી અનેક લોકો નોકરી ,ધંધા અને રોજગારી અર્થે શહેરો તરફ સ્થળાંતર કરે છે, પરંતુ વર્તમાન સંજોગોમા લોકડાઉન થતાં  શહેરોમાં ઉદ્યોગ-ધંધાઓને ફરજિયાત બંધ રાખવાની ફરજ પડી છે. એવા સમયે ગુજરાતના અનેક નાના-મોટા શહેરોમાં રોજગારી અર્થે અન્ય રાજ્યમાંથી આવેલા અને સ્થાયી થયેલા શ્રમિક પરિવારોને ભોજન અને રાશનની મુશ્કેલીઓ પડવા લાગી. ત્યારે સરકારની સાથે – સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાશ્રીઓ તથા સેવાભાવી વ્યક્તિઓ સ્વખર્ચે ભોજનની વ્યવસ્થા કરીને લોકોની જઠરાગ્ની ઠારવાનું સેવાયજ્ઞ અવિરતપણે કરી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આસપાસ ચાલતી અનેક ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો, ગરીબો, ઘરવિહોણા ,નિરાધાર અને રોજેરોજનું રળીને જીવન ગુજારતા શ્રમિકો, ગામના જરૂરિયાતમંદ લોકોને બન્ને ટાઇમ ભોજન મળી રહે તેવા ઉમદા આશયથી ગામના સેવાભાવી શ્રી પ્રવીણભાઈ વાઘેલાએ બીડું ઝડપ્યું છે. તેઓ લોકડાઉનના પ્રથમ દિવસથી જ વિચારતા હતા કે મારે ગરીબ અને પરપ્રાંતિય શ્રમિકો માટે કંઈ કરી છૂટવું છે, અને ગામ લોકોના અને સામાજિક આગેવાનોનાં  માર્ગદર્શન અને સાથ-સહકારથી તેમણે ભોજનનો સેવા યજ્ઞ આરંભ્યો.

છેલ્લા ૩૦ દિવસથી ચાલતા અવિરત આ ભોજન યજ્ઞનો લાભ અંદાજે ૭૦૦ થી ૧૦૦૦ લોકો સવાર-સાંજ લઈ રહ્યા છે . પ્રવીણભાઈ વાઘેલાના મિત્ર વર્તુળના ૧૫ લોકોના સહયોગથી દરરોજ અલગ-અલગ જાતની રસોઈ જેવી કે રોટલા, રોટલી, શાક,ખીચડી-કઢી ,લાડુ વગેરે જેવી સ્વાદીષ્ટ અને આરોગ્યપ્રદ રસોઈ બનાવીને લોકોને પીરસવામાં આવી રહી છે . માનવ સેવાની ઉત્તમ કામ કરનાર પ્રવીણ ભાઈ વાઘેલા જણાવે છે કે ” ગામના જ  કેટલાય સેવાભાવી લોકો સતત મારી પડખે રહીને ખડે પગે સેવાઓ બજાવી રહ્યા છે. તેમના બધાયના સાથ સહકાર વિના આ સેવા કાર્ય શરૂ કરવું મારા માટે મુશ્કેલ બની ગયું હોત પણ આજે  દરરોજ અલગ અલગ દાતાઓનો આર્થિક સહયોગ મળવાથી  ભોજનની સુવિધા માટે કયારેય ચિંતા કરવી પડી નથી.”

બાવળા ગામ અને આસપાસ આવેલી ઇન્ડસ્ટ્રીઝના અનેક પરિવારોને ભરપેટ ભોજન મળતા તેઓ આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત કરે છે .પ્રવીણભાઈ વાઘેલાના આ ભોજન યજ્ઞની સુવાસ ચોતરફ પ્રસરી રહી છે અને તેમના કાર્યની આ વિસ્તારમાં ખૂબ સરાહના થઈ રહી છે. માનવ સેવાનુ ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.