Western Times News

Gujarati News

૫૧ ધનવંતરી રથ દ્વારા ૨૦૦ સ્થળો પરથી ત્વરિત આરોગ્યલક્ષી સારવાર- દવાઓનું વિનામૂલ્યે વિતરણ

અમદાવાદ શહેરના કન્ટેન્ટમેન્ટ  ઝોન અને આજુબાજુના ૧૪ વોર્ડમાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા નાગરિકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સારવાર

અમદાવાદ શહેરમાં કોવિડ-19 સંક્રમણના વ્યાપ વાળા અને ગીચ વસ્તી ધરાવતા કન્ટેન્ટમેન્ટ ઝોન અને તેની આજુબાજુના ૧૪ વોર્ડના નાગરિકોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર મળી રહે એ માટે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્યલક્ષી સારવાર આપવાનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં તા. ૧૫મી મેથી કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને નાની-મોટી બીમારીમાં ત્વરિત સારવાર ઘર આંગણે મળી રહે એ માટે તા. ૧૫મી મે ૨૦૨૦થી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ ૫૧ જેટલા ધન્વંતરી રથ દ્વારા ૨૦૦ જેટલા સ્થળોએ સારવાર આપવાની શરૂઆત કરાઈ છે.

અત્યાર સુધીમાં અંદાજે ૨૩ હજારથી વધુ નાગરિકોએ આ રથના માધ્યમથી આરોગ્યલક્ષી સારવાર લીધી છે. જેમાં તાવ, ઉધરસ, શરદી જેવી નાની-મોટી બીમારી માટે ઓપીડી તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેસર ચેક કરવામાં આવે છે અને જરૂરતમંદોને દવાઓ પણ વિનામૂલ્યે રથના માધ્યમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વ્યવસ્થાનું સુંદર રીતે સંચાલન  કરવામાં આવી રહ્યું છે. બુધવારે એક જ દિવસમાં આ ૫૧ ધન્વંતરી રથ પરથી ૬,૬૫૭  જેટલા નાગરિકોએ આરોગ્યલક્ષી સારવાર મેળવી છે. જેમાં ૪૮૮ તાવના દર્દીઓએ, શરદી અને કફના ૧,૬૭૩ દર્દીઓ અને અન્ય ૪,૪૭૩ લોકોએ અન્ય બીમારી માટે સારવાર મેળવી છે.         આ રથમાં ઓપીડી માટે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, આયુર્વેદ તબીબ સહિત અન્ય કર્મચારીઓ પણ સેવાઓ પૂરી પાડી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.