Western Times News

Gujarati News

રાજ્યભરમાં ૧૪૬ માર્કેટયાર્ડમાં ૫૬.૨૬ લાખ ક્વિન્ટલ અનાજ વેચાણ માટે આવ્યું

પ્રતિકાત્મક

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ફરજિયાત માસ્ક, થર્મલ સ્ક્રીનીંગ અને સેનીટાઈઝર સહિતની તમામ જરૂરી તકેદારી સાથે તા. ૧૫ એપ્રિલથી માર્કેટયાર્ડ શરૂ કરવા મુખ્યમંત્રીશ્રીએ લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયની ફલશ્રુતિ

૧૬.૯૩ લાખ ક્વિન્ટલ ઘઉં૨.૮૦ લાખ ક્વિન્ટલ એરંડા  ૨.૩૪ લાખ ક્વિન્ટલ ચણા સહિતના ખાદ્યાન્નની આવક થઇ:-

કોરોના સંક્રમણની સ્થિતીમાં સોશીયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ જરૂરી નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યના તમામ માર્કેટયાર્ડ તા. ૧૫મી એપ્રિલથી  શરૂ કરવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો અને વેપારીઓના હિતમાં નિર્ણય લીધો હતો. તદ્અનુસાર તા. ૧૫ એપ્રિલથી તા.૨૦ મી મે સુધીમાં વિવિધ ૧૪૬ માર્કેટ યાર્ડમાં કુલ ૫૬.૨૬ લાખ ક્વિન્ટલ અનાજની આવક વેચાણ માટે થઇ હોવાનું મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ માર્કેટ યાર્ડમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત ફરજિયાત સેનીટાઈઝર અને તમામ ખેડૂતો-વેપારીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં ખેડૂતો-વેપારીઓને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમનો પણ અમલ કરાવવામાં આવી રહ્યો છે.

તેમણે અત્યાર સુધીમાં માર્કેટયાર્ડમાં અનાજની થયેલી સંચિત આવકની વિગતો આપતા જણાવ્યું કે, તા.૨૦મી મે સુધીમાં વિવિધ ૧૪૬ માર્કેટ યાર્ડમાં કુલ ૫૬.૨૬ લાખ ક્વિન્ટલ અનાજની જે સંચિત આવક થઇ છે. તેમાં  ૧૬,૯૩,૮૬૬ ક્વિન્ટલ ઘઉંની આવક થઇ છે. તે ઉપરાંત મગફળીની ૧,૩૯,૮૩૫ ક્વિન્ટલ આવક, ડાંગરની ૧,૨૫,૪૬૫ ક્વિન્ટલ આવક, એરંડાની ૧૨,૭૯,૨૩૫ ક્વિન્ટલ આવક થવા પામી છે.

જ્યારે ૩,૦૦,૮૮૬ ક્વિન્ટલ જથ્થો રાયડાની આવક, ૨,૩૩,૮૬૯ ક્વિન્ટલ જથ્થો ચણાની આવક, ૪૭,૦૧૨ ક્વિન્ટલ મગની આવક, ૨,૯૦,૮૬૦ ક્વિન્ટલ જથ્થો કપાસની આવક, ૧,૧૬,૮૮૮ ક્વિન્ટલ તમાકુની આવક અને ૧૩,૯૮,૪૦૮ ક્વિન્ટલ અન્ય જણસીઓની આવક મળીને કુલ ૫૬,૨૬,૩૨૭ ક્વિન્ટલ જથ્થાની સંચિત આવક થવા પામી છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.