વલસાડ રક્તદાન કેન્દ્રએ ૧૦૦ યુનિટ રક્ત અમદાવાદ રેડક્રોસ ખાતે મોકલાયું

વલસાડઃ ૨૭: હાલમાં સમગ્ર દેશમાં કોરોના સંકટ સમયે દરેક શહેરોની બ્લડબેંકોમાં રક્તનો જથ્થો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. લોકડાઉન અને કરફયુને કારણે ઘણી જગ્યાએ બ્લડ ડોનેશનના કેમ્પ થઇ શકતા નથી. અમદાવાદમાં કોરોનાની અસર વધુ હોવાથી ત્યાંની બ્લડ બેંકોમાં રક્તનું પ્રમાણ પુરતા પ્રમાણમાં ન હોવાથી પેશન્ટોને બ્લડ મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આવા સંજોગોમાં માનવતાના કોરણે વલસાડ રક્તદાન કેન્દ્ર તથા વલસાડ રેડક્રોસ દ્વારા ૫૦ બ્લડ બેગ ઓ-પોઝીટીવ અને ૫૦ બ્લડ બેગ બી-પોઝીટીવ ગ્રૂપની મળી કુલ ૧૦૦ બ્લડ બેગ અમદાવાદ રેડ ક્રોસના થેલેસેમિયા તથા બીજા દર્દીઓ માટે મોકલવામાં આવી હતી.
આપણા વલસાડ જિલ્લામાં જ્યારે પણ બ્લડ બેંકની મોબાઇલ વાન બ્લડ કલેકશન માટે જ્યાં-જ્યાં મોકલવામાં આવી હતી, ત્યાં ત્યાં લોકડાઉનમાં યુવાનો ઘરે ફ્રી હોવાથી સારી એવી સંખ્યામાં બ્લડ ડોનેશન માટે આગળ આવ્યા હતા. કેમ્પ આયોજકોએ પણ આ માટે ખૂબ જ મહેનત કરી હતી. વલસાડ રક્તદાન કેન્દ્રના પ્રત્યેક કર્મચારીઓએ કોરોના વોરિયર્સ તરીકેની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. જેના પરિણામે આપણે વલસાડ જેવા નાના શહેરમાંથી પણ અમદાવાદ શહેરને મદદરૂપ થઇ શકયા છીએ. જેનો પૂરો શ્રેય બ્લડ ડોનેશનના કેમ્પ આયોજકો તથા સર્વે રક્તદાતાઓની નિઃસ્વાર્થ સેવાઓને જાય છે.