એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે ‘આત્મનિર્ભર પ્રોગ્રામ’ શરૂ કર્યો
વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરવા કંપનીએ માર્કેટિંગ પડતર ઘટાડવા, નફાકારકતા વધારવા અને દેશભરમાં રોજગારીની તકો સર્જવાના લક્ષ્ય સાથે છૂટક અને ગૌણ વેચાણ વધારવા માટે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો
ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે નાના નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં છૂટક અને ગૌણ વેચાણોને વેગ આપવા માટે ‘એજીએલ આત્મનિર્ભર પ્રોગ્રામ‘ લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમનો હેતુ માર્કેટિંગની પડતર ઘટાડવા અને નફાકારકતા વધારવા ઉપરાંત વર્તમાન સમયમાં અર્થતંત્રની ધીમી પડેલી ગતિના સમયગાળામાં આ પ્રદેશોમાં રોજગારીની તકોનું સર્જન કરવાનો છે. ગુજરાતમાં પ્રાથમિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ યોજનાને સમગ્ર ભારતમાં શરૂ કરવાનો કંપનીનો ઈરાદો છે.
આ અંગે કંપનીના ચેરમેન શ્રી કમલેશ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં સૌપ્રથમ વખત એક સિરામિક કંપની દ્વારા આ પ્રકારનું ડિજિટલ માર્કેટિંગ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને બી વોકલ ફોર લોકલ જેવા વિચારોમાંથી પ્રેરણા લઈને અમે રથયાત્રાના પાવન પ્રસંગે આ પહેલ આદરી છે. લોકો ઘરેથી કામ કરીને આજીવિકા રળી શકે અને એજીએલ આત્મનિર્ભર પ્રોગ્રામ હેઠળ અમારા વ્યાપારિક સહયોગી બની શકે તે હેતુથી એજીએલે આ પહેલ શરૂ કરી છે.
આ સહયોગીઓ આઈબીપી (ઈન્ડિવિડ્યુઅલ બિઝનેસ પાર્ટનર) તરીકે ઓળખાશે અને તેઓ એજીએલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ નિર્ધારિત ગ્રામીણ વિસ્તારમાં એજીએલ પ્રોડક્ટ્સને પ્રમોટ કરશે.
આની પાછળનો ઉદ્દેશ રોજગારીની તકો સર્જવાનો અને સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં એજીએલનો વ્યાપ વધારવાનો છે. ઉપરાંત, કંપની એજીએલના વ્યાપારિક સહયોગીઓને તેમના ગૌણ વેપારને મજબૂત બનાવવામાં મદદ કરવા અને એજીએલની સમગ્ર પ્રોડક્ટ બાસ્કેટ વિશે જાગૃતતા વધારવા માંગે છે. આ પ્રોગ્રામથી કંપનીની વેચાણ અને માર્કેટિંગ પડતર ઘટાડવામાં તથા વેચાણ અને નફાકારકતા વધારવામાં પણ મદદ મળશે.”
વ્યાપારિક કામગીરી અંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે ”ગૃહ મંત્રાલય દ્વારા નક્કી કરેલા સુરક્ષા માપદંડો અને માર્ગદર્શિકાઓ સાથે કંપનીએ દેશના મોટાભાગના વિસ્તારોમાં તેની વ્યાપારિક કામગીરી શરૂ કરી દીધી છે. કંપનીના તમામ 9 પ્લાન્ટ્સ, 13 ઓફિસીસ અને ડિસ્પ્લે સેન્ટર્સ શરૂ થઈ ચૂક્યા છે. માર્કેટ સપોર્ટ અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવા માટે જરૂરી સ્ટાફ સાથેની હેડ ઓફિસમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે. દેશભરમાં ફેલાયેલા 300થી વધુ શોરૂમ્સમાંથી કંપનીના 260 શોરૂમ્સ ખૂલી ચૂક્યા છે અને તેની કામગીરી રાબેત મુજબ શરૂ થઈ ચૂકી છે. અમે ટૂંક સમયમાં મહત્તમ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાની નેમ ધરાવીએ છીએ.”
એશિયન ગ્રેનિટોએ ગુજરાતમાંથી ટાઈલ્સની નિકાસમાં અગ્રીમ સ્થાન હાંસલ કર્યું છે. કંપની હાલ 78 દેશોમાં નિકાસ કરે છે અને તેની આંતરરાષ્ટ્રીય પહોંચ વિસ્તારવા માંગે છે. કંપની 120થી વધુ દેશોમાં નિકાસનો અને 18-20 ટકા નિકાસ વેચાણોનો લક્ષ્યાંક ધરાવે છે. કંપની ભારતની ટોચની ત્રણ લિસ્ટેડ સિરામિક ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને પ્રીમિયમ જીવીટી ટાઈલ્સ, નેનો ક્રિસ્ટલ, ક્વાર્ટ્ઝ અને માર્બલ વગેરે જેવી હાઈ-એન્ડ પ્રોડક્ટ્સ પર ધ્યાન આપશે.
આગામી બે-ત્રણ વર્ષમાં કંપનીએ રૂ. 2,000 કરોડની આવકનો, રિટેલ નેટવર્ક 500 એક્સક્લુઝિવ શોરૂમ્સ સુધી વિસ્તારવાનો અને સેનિટરીવેર તથા બાથવેરમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપની દેશભરમાં ડીલર અને સબ-ડીલર નેટવર્ક સાથે 6,500 ટચ પોઈન્ટ્સ, 300થી વધુ એક્સક્લુઝિવ એજીએલ ટાઈલ્સ શોરૂમ્સ અને 13 કંપની હસ્તકના ડિસ્પ્લે સેન્ટર્સ ધરાવે છે.