Western Times News

Gujarati News

સ્વ. અશોક ભટ્ટની સ્મૃતિમાં મધ્યસ્થ જેલમાં મેડિકલ કેમ્પ-પુસ્તક વિતરણ કાર્યક્રમ

બંદીવાનોને સુદ્રઢ કાયદાકીય  સલાહ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે- શ્રી પ્રદીપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ‘કોઈ ક્ષણિક ક્રોધના પગલે માનવી કોઈ ગુનો કરે છે અને તેના પગલે બંદીવાન બને છે. આ બંદીવાનો ક્યારેક કાયદાકીય જાણકારીના અભાવે પણ જેલવાસ ભોગવતા હોય છે ત્યારે આવા બંદીવાનોને અત્યારે ઉપલબ્ધ છે તેના કરતાં પણ વધુ પ્રમાણમાં અને સુદ્રઢ કાયદાકીય સલાહ મળે તે માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે.’ ‘સાથે જે બંદીવાનો લાંબી બીમારીથી પીડાતા હોય તેમને સતત તબીબી સુવિધા સહાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ ઉપરાંત ગંભીર બીમારીથી પીડાતા બંદીવાનોને વહેલી મુક્તિ આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે.’ એમ તેમણે ઉમેર્યું હતું  મહાગુજરાત થી સ્વર્ણિમ ગુજરાત સુધીના સેનાપતિ અશોકભાઈ ભટ્ટની સ્મૃતિમાં  આજે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે શારદા સેવા સંસ્થાન દ્વારા મેડીકલ કેમ્પ પુસ્તક વિતરણ ભક્તિસંગીત તથા વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું .

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘માનવ મન અત્યંત ચંચળ હોય છે મનમાં સતત સંશય – વિચારોનું યુદ્ધ ચાલતું જ રહે છે ત્યારે મનની શાંતિ માટે પુસ્તકો મહત્વનું માધ્યમ છે.’ ‘આવા સમયે શારદા સેવા સંસ્થાન દ્વારા પુસ્તક વિતરણ, મેડિકલ કેમ્પઅને ભક્તિ સંગીતનું આયોજન અનુકરણીય અને આવકારદાયક છે.’ એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ અશોકભાઈ ભટ્ટની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

પૂર્વ ધારાસભ્ય અને અશોકભાઈ ભટ્ટના પુત્ર શ્રી ભૂષણભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ‘અશોકભાઈ ભટ્ટની સેવા-સુવાસ અમારો પરિવાર આજે પણ આગળ વધારી રહ્યો છે.’ ‘સ્વ. ભટ્ટની મહાગુજરાત થી સ્વર્ણિમ ગુજરાત સુધીની યાત્રા બેદાગ રહી એ અમારા સૌ માટે ગૌરવરૂપ છે. દીવાલ પાછળ ની દુનિયામાં વસતા લોકો એટલે કે કેદીઓની સુવિધા માટે સ્વ. ભટ્ટે  સંવેદનશીલતા સાથે અનેક નિર્ણયો કર્યા હતા. સ્વ. અશોકભાઈ ભટ્ટની સ્મૃતિમાં લોક સહયોગથી ૧૨૦૦ થી વધુ પુસ્તકો એકઠા કરીને મધ્યસ્થ જેલમાં અપાયા છે.’ એમ તેમણે ઉમેર્યું હતું.

જેલ વિભાગના ડી.જી. શ્રી મોહન જ્હાએ જણાવ્યું હતું કે, ‘જેલના બંદીવાનો વાંચન શોખ કેળવે તે સમયની માંગ છે અને આ અભિયાનમાં શારદા સેવા સંસ્થાનનો સરાહનીય સહયોગ મળ્યો છે.’ ‘છેલ્લા સપ્તાહમાં સંસ્થાએ હજારો પુસ્તક એકત્ર કરી બંદીવાનોને આપ્યા છે તે અનુકરણીય છે.’ એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે અસારવાના ધારાસભ્ય શ્રી પ્રદીપ પરમાર, મ્યુ. કાઉન્સિલરો, જેલના સુપ્રિટેન્ડન્ટ શ્રી એમ. કે. નાયક તથા સ્વ. ભટ્ટના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.