Western Times News

Gujarati News

હીરામણિ સ્કુલ  ખાતે ‘‘ અટલ ટીંકરીંગ લેબ’ ને ખુલ્લી મુકતા  મુખ્યમંત્રી

  • સમગ્ર દેશમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે રોલ મોડલ બને તે માટે સરકાર કટિબધ્ધ છે
  • અટલ ટિકરીંગ લેબ શાળાના બાળકો ને વિજ્ઞાન ટેકનોલોજી પ્રત્યે  શાળા જીવનથી જ પ્રેરિત કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે  અને વિદ્યાર્થીઓને અભ્યાસ માં સમયાનુકુલ રસ રુચિ જાગે તે હેતુસર રાજ્યમાં વિઝ્યુલાઇઝેશન શાળાઓ ઉભી કરવાની નેમ દર્શાવી છે. આ માટે સ્ક્રીન અને પ્રોજેક્ટરની મદદથી વિઝ્યુલાઇઝેશન દ્વારા બાળકોને શિક્ષણ પુરુ પાડી ને ગુજરાતના બાળક ને વિશ્વ સમકક્ષ બનાવવા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદમાં આવેલ હીરામણિ સ્કુલ ખાતે  ‘‘ અટલ ટીંકરીંગ લેબ’’ને ખુલ્લી મુક્યા બાદ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના વિદ્યાર્થીઓ નાનપણ થી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ લે તે માટે અટલ ટીંકરીંગ લેબ યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ નીતિ આયોગ દ્વારા શાળાઓને રૂા. ૧૦ લાખની સહાય આપવામાં આવે છે અને દર વર્ષે નિભાવણી માટે રૂા. ૨ લાખ આપવામાં આવે છે. શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ ગુજરાતમાં ૨૫૦ શાળાઓની પસંદગી કરવામાં આવી છે તે પૈકી હીરામણિ સ્કુલની પસંદગી થઇ છે તે ગૌરવની વાત છે.

વિજ્ઞાન અને ટેકનલોજીનો ઉપયોગ  અભ્યાસ માં વ્યાપક બને તે જરૂરી છે તે વાતનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ સમાજ કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસ માટે થાય તે જરૂરી છે.  રાજ્યના ગરીબ કે અમીર સૌ વિદ્યાર્થીઓને સમાન તક મળે અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે અનેક શિક્ષણ લક્ષી યોજનાઓ સરકારે  અમલમાં મૂકી હોવાનું શ્રી રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે સરકારે શિક્ષણ માટે સૌથી વધુ બજેટ ફાળવી ને   ગુજરાત દેશભરમાં શિક્ષણક્ષેત્રે પણ દિશા દર્શન કરનારું રોલ મોડેલ બને તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદેશોમાં પ્રવાસ કર્યા બાદ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ સ્વીકાર્યું હતું. આ માટે તેમણે ટીંકરીંગ લેબની યોજના અમલમાં મૂકી છે. આ ટીંકરીંગ લેબ એટલે નાના બાળકોની જિજ્ઞાસાઓને સંતોષવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું.  અમદાવાદમાં આ યોજના હેઠળ ૧૬ સ્કુલોની પસંદગી થઇ છે તે સ્કુલને ગૌરવ   લેવા જેવી બાબત છે તેમ જણાવી હીરામણિ શાળા ગુજરાતી બાબતે અગ્રીમતા આપે છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નીતાબેન પટેલ, ભૂતપૂર્વ ઉપકુલપતિ ડૉ. ચન્દ્રકાંત મહેતા, ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, સહકારી ક્ષેત્રના ડૉ. ઘનશ્યામ અમીન તથા અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.