Western Times News

Gujarati News

નદી- તળાવોના બદલે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન ઘરઆંગણે કરવા અપિલ

Files Photo

અમદાવાદમાં સાબરમતી નદી તરફ જતા રસ્તાઓ સીલ : ઈન્દિરાબ્રીજ પાસે પતરા મારી દેવાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે વર્ષો જૂની અનેક ધાર્મિક તથા સામાજીક પરંપરાઓ તૂટી છે. મંદિરો બંધ થયા, ધાર્મિક કાર્યક્રમો બંધ, તો વિધ્નહર્તા ગણપતિ દાદાના આગમન અને વિસર્જનમાં અનેક નવા નિતિ- નિયમોને કારણે જે વર્ષોથી ચાલતી પરંપરાઓ હતી તેમાં વિધ્ન આવ્યુ છે. કોરોનાથી સૌ કોઈ ભયભીત અને ચિંતિત છે તો તંત્રને સજાગ રહેવુ પડી રહયુ છે. ગણપતિ દાદાની પ્રતિમાઓનું વિસર્જન આ વર્ષે તળાવ કે નદીઓમાં કરવા દેવામાં આવશે નહિ, તેની જગ્યાએ ભક્તો ઘરે જ કે જેતે સ્થળ પર જ દાદાની મૂર્તિનું વિસર્જન કરી શકશે.

મોટી સંખ્યામાં લોકો મૂર્તિઓનું વિસર્જન કરે નહી તે માટે સાબરમતી નદી તરફ જવાના માર્ગો પર પતરા મારી અગર તો બેરીકેડ ગોઠવી બંધ કરી દેવામાં આવ્યા છે. ઈન્દિરાબ્રીજ પાસે છઠ્ઠ પૂજાના ઘાટ તરફ જવાના માર્ગ પર પતરા મારી બંધ કરી દેવાયા છે. ભગવાનની મૂર્તિઓનું વિસર્જન નદીઓ કે તળાવોમાં કરવાની જગ્યાએ ઘરે જ વિસર્જન કરવા જણાવાયુ છે. જાેકે આ વખતે શ્રધ્ધાળુઓએ ભગવાનની માટીની મૂર્તિઓની ખરીદી કરી હોવાથી ઘરે જ વિસર્જન કરવામાં આવી રહયુ છે.

વિરાટનગર વિસ્તારમાં ૪૦ ઘરના લોકોએ સ્થળ પર જ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે તો મેઘાણીનગરમાં આવેલા ગણેશ મંદિરમાં કોરોનાને કારણે પપ વર્ષની પરંપરા તૂટી છે મંદિરમાં બે દિવસ ભગવાનની સ્થાપના પછી મંદિરમાં જ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ભગવાનની મૂર્તિ વાજતે- ગાજતે ઘરે લાવીએ ત્યારે વિસર્જન પણ ખૂબજ ધ્યાન રાખીને કરવું જાેઈએ. ગત વર્ષે દશા ર્માંની મૂર્તિઓ ભક્તો નદી કિનારે આડેધડ મૂકીને જતા રહયા હતા જેને કારણે અનેક લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો સર્જાયા હતા તેથી આ વખતે ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન ઘરે થાય તે હેતુથી તંત્રએ પહેલેથી જ નદી તરફ જતા માર્ગો સીલ કરી દીધા છે મેઘાણીનગર ગણેશ મહોત્સવ એસોસીએશન, ખોખરા ગણેશ મંદિર, નરોડા ગણેશ મંદિર, ભદ્ર ગણેશ મંદિર, મહેમદાવાદ વિનાયક મંદિરે ભક્તોને તળાવ કે નદીની જગ્યાએ ઘરે જ દાદાની મૂર્તિનું વિસર્જન કરવા અપિલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.