પ્રધાનમંત્રી 9 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’ કરશે
PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બર, 2020ના રોજ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’ કરશે. ભારત સરકારે 1 જૂન, 2020ના રોજ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી, જે કોવિડ -19 દ્વારા અસરગ્રસ્ત ગરીબ શેરી વિક્રેતાઓની મદદ કરવા માટે આજીવિકા પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં સહાય કરે છે.
4.5 લાખ શેરી વિક્રેતાઓ મધ્યપ્રદેશમાં નોંધાયેલા છે, જેમાં 4 લાખથી વધુ વિક્રેતાઓને ઓળખ અને વિક્રેતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. 2.45 લાખ માન્યતાપ્રાપ્ત લાભાર્થીઓની અરજીઓ પોર્ટલ દ્વારા બેંકોને રજૂ કરવામાં આવી છે, જેમાંથી આશરે 1.4 લાખ શેરી વિક્રેતાઓની 140 કરોડની રકમની સ્વીકૃતિ કરવામાં આવી છે. સ્વીકૃત કુલ અરજીઓની સંખ્યામાં મધ્યપ્રદેશ રાજ્ય પ્રથમ સ્થાને છે, જ્યાંથી 47% અરજી પ્રાપ્ત થઇ છે.
રાજ્યમાં યોજનાના લાભાર્થીઓ માટે જાહેર સ્થળોએ કાર્યક્રમ નિહાળવા માટેની વ્યવસ્થા 378 મ્યુનિસિપલ કચેરીમાં એલઇડી સ્ક્રીન મુકીને કરવામાં આવી છે. આ કાર્યક્રમ વેબકાસ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવશે, જેના માટે MyGovની લિંક https://pmevents.ncog.gov.in/ પર પૂર્વ નોંધણી થઈ રહી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પણ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી રાજ્યના લાભાર્થીઓ સાથે તેમના વેચાણના સ્થળોથી વર્ચ્યુઅલ રીતે કનેક્ટ થઈને પણ વાતચીત કરશે. કાર્યક્રમ દરમિયાન રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યોજના પરની એક ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.