Western Times News

Gujarati News

જજીસ બંગલા નજીક સ્કુલ બસને અકસ્માત

CCTV footage

 

પ્રેમચંદનગર ત્રણ રસ્તા પર વળાંક લઈ રહેલી સ્કૂલ બસને પુરઝડપે આવી રહેલી કારે ટક્કર મારતાં અફડાતફડીનો માહોલ : બસમાં સવાર તમામ ર૮ વિદ્યાર્થીઓ સુરક્ષિત ઃ વાલીઓની દોડધામ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં સ્કૂલ વાહનોનું ચેકિંગ કરી નિયમોનો ભંગ કરતા ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે એક માસ પૂર્વે સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ઘટનાના પગલે તંત્ર સફાળુ જાગ્યુ છે અને રાજયવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે આજે વહેલી સવારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમચંદ્રનગર ત્રણ રસ્તા પાસે ટર્ન લઈ રહેલી સ્કૂલ બસને પુરઝડપે આવતી કારે ટક્કર મારતાં બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા.

અકસ્માતમાં કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો સદ્‌નસીબે એક પણ વિદ્યાર્થીને ઈજાઓ પહોચી ન હતી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં અને વાલીઓએ પણ દોડધામ કરી મુકી હતી સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોવાથી તાત્કાલિક વિદ્યાર્થીઓને અન્ય બસ બોલાવી સ્કૂલે જવા રવાના કરવામાં આવ્યા હતાં ચોંકાવનારી બાબત એ છે કે આ કાર એક મહિલા ચલાવી રહી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત રાજયભરમાં સ્કૂલ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તંત્ર એલર્ટ બન્યું છે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ મોટાભાગની સ્કૂલોના વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહયું છે અને સ્કૂલ વાહનના ચાલકો પાસે તમામ નિયમોનું પાલન કરાવવામાં આવી રહયું છે.

અમદાવાદ શહેરમાં પણ આરટીઓ દ્વારા સઘન ચેકિંગ કરાયું છે જેના પગલે સ્કૂલ વાનના ચાલકોમાં સજાગતા આવી ગઈ છે પરંતુ આજે સવારે વધુ એક અકસ્માતની ઘટના ઘટી હતી જાકે આજની ઘટનામાં સ્કૂલ બસના ચાલકનો કોઈ વાંક હતો નહીં.

શહેરની જાણીતી ઉદગમ સ્કૂલની બસ આજે સવારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં વિદ્યાર્થીઓને લેવા આવી હતી અને એક પછી એક વિદ્યાર્થીઓને બસમાં બેસાડી આગળ વધી રહી હતી બસમાં કુલ ર૮ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા બસનો ચાલક શાહનવાઝ બસને લઈ જજીસ બંગલા રોડ પરથી પસાર થઈ રહયો હતો આ દરમિયાન પ્રેમચંદનગર ત્રણ રસ્તા પાસે ખૂબજ સાવચેતી પૂર્વક બસનો ટર્ન લઈ રહયો હતો.

આ દરમિયાનમાં સામેથી આવી રહેલી એક કારની અચાનક જ સ્પીડ વધી જતાં ઉદ્‌ગમ સ્કૂલની આ બસને કારે જારદાર ટક્કર મારી હતી વિદ્યાર્થીઓને નીચે ઉતરવાના દરવાજા પાસે આ કાર ટકરાતા બસનો ચાલક ગભરાઈ ગયો હતો. સદ્‌નસીબે તમામ વિદ્યાર્થીઓ બસની સીટ પર બેઠેલા હોવાથી અને બસનો કલીનર પણ બસની અંદર હોવાથી કોઈને ઈજા થઈ ન હતી.

સ્કૂલ બસ સાથે ધડાકાભેર કાર ટકરાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સમગ્ર રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં બસમાં બેઠેલા વિદ્યાર્થીઓએ બુમાબુમ કરી મુકી હતી અને ખૂબ જ ગભરાઈ ગયા હતાં આ દરમિયાનમાં દોડી આવેલા સ્થાનિક નાગરિકોએ પણ તમામ વિદ્યાર્થીઓને શાંત પાડયા હતા બીજીબાજુ સ્કૂલ બસના ચાલકે તાત્કાલિક આ ઘટનાની જાણ સ્કૂલ સંચાલકોને કરી હતી.
જેના પગલે સ્કૂલ સંચાલકો પણ તાત્કાલિક દોડી આવ્યા હતાં

સ્કૂલમાં હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી અન્ય બસને પણ સ્થળ પર રવાના કરી દેવામાં આવી હતી અને તમામ ર૮ વિદ્યાર્થીઓને અન્ય બસમાં બેસાડી સ્કૂલે રવાના કરી દેવામાં આવ્યા હતાં. વળાંક પર જ કારે ટક્કર મારતાં ભારે હોબાળો મચી ગયો હતો આ દરમિયાનમાં મહિલા કાર ચાલક તાત્કાલિક ત્યાંથી નીકળી ગઈ હતી

બીજીબાજુ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતાં બીજીબાજુ વાલીઓ પણ ખૂબજ ગભરાઈ ગયા હતા અને તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં જાકે અકસ્માતમાં એક પણ વિદ્યાર્થીને ઈજા ન થઈ હોવાનું જાણવા મળતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

સ્થળ પર દોડી આવેલા પોલીસ અધિકારીઓએ બસના ચાલકનું નિવેદન નોંધ્યુ હતું અકસ્માતમાં કારની આગળનો ભાગનો ભુક્કો બોલી ગયો હતો આ દરમિયાનમાં જ મહિલા કાર ચાલકના સંબંધી પણ આવી પહોંચ્યા હોવાનું જાણવા મળી રહયું છે અને પોલીસે તેમના પણ નિવેદન લઈ મહિલા ચાલકને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવા જણાવતા જ ચાલક પોલીસ સ્ટેશને હાજર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહયું છે. આમ જજીંસ બંગલા રોડ પર વહેલી સવારે સ્કુલ બસને નડેલા અકસ્માતના પગલે ભારે હોબાળો મચી ગયો હતો.

મહિલા કાર ચાલક ખૂબ જ સાવચેતી પૂર્વક આવતી હતી અને ત્રણ રસ્તા પર બસ વળાંક લેતી હોવાથી કાર ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભુલથી પગ એકસીલેટર પર પડી જતાં કારની સ્પીડ વધી ગઈ હતી અને ધડાકાભેર બસ સાથે અથડાઈ હોવાનું હાલમાં મનાઈ રહયું છે. ટ્રાફિક પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.