ગૂગલે પેટીએમ ઉપરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો
ઓનલાઈન કેસિનો અને અન્ય નિયમન વગરની જુગારને પ્રોત્સાહન આપતી એપને પ્લે સ્ટોરમાં પ્રતિબંધિત કરે છે
નવી દિલ્હી, ગૂગલ પ્લે સ્ટોર પરથી જાણીતી પેમેન્ટ સર્વિસ એપ પેટીએમને હટાવી દેવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘન બદલ પીટીએમ સામે ગૂગલે કડક કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, એ પછી મોડી સાંજે પેટીએમ દ્વારા જરૂરી સ્પષ્ટતાઓ કરવામાં આવતા ગુગલે પ્રતિબંધ પરત ખેંચ્યો હતો. ભારતના સૌથી સફળ સ્ટાર્ટ અપ પૈકીના એક એવા પેટીએમના પ્રતિ માસ પાંચ કરોડ સક્રિય વપરાશકર્તા છે.
પેટીએમ એપ ગૂગલની પેમેન્ટ સેવા ગૂગલ પેને પણ જબરજસ્ત ટક્કર આપી રહી છે. શુક્રવારે પેટીએમની એન્ડ્રોઈડ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી એકાએક ગાયબ થઈ ગઈ હતી. ગૂગલે જણાવ્યું કે તે ઓનલાઈન કેસિનો અને અન્ય નિયમન વગરની જુગારને પ્રોત્સાહન આપતી એપને પોતાના પ્લે સ્ટોરમાં પ્રતિબંધિત કરે છે. આમ કરવાથી દેશના યુવાનો ખોટી લત તરફ વળી શકે છે. પેટીએમ તેની એપ્લિકેશનની અંદર આ પ્રકારના ફેન્ટસી રમતોને પ્રોત્સાહિત કરે છે અને તે પ્લે સ્ટોરના નિયમોનું વારંવાર ઉલ્લંઘન છે.
પેટીએમની એક ગેમ એપ્લિકેશન પેટીએમ ફર્સ્ટ ગેમ્સને પણ પ્લે સ્ટોરમાંથી દૂર કરી દેવામાં આવી છે. ગૂગલના મતે જો કોઈ એપ ગ્રાહકોને અન્ય બાહ્ય વેબસાઈટ પર દોરી જાય છે અને તેમાં કોઈ પેઈડ ટૂર્નામેન્ટ્સ અથવા નાણાં જીતવાની ઓફર કરાય છે અથવા રોકડ રકમ ચૂકવવામાં આવે છે તો તે પ્લે સ્ટોરની નીતિનું ઉલ્લંઘન ગણાશે. ગૂગલની પેમેન્ટ એપ ગૂગલ પે હાલ ભારતમાં સારું પ્રદર્શન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલના એક દિવસ અગાઉ ગૂગલ દ્વારા આ પ્રકારે પેટીએમ સામે પગલાં લેવાતા અન્ય એપને પણ સંકેત આપી દીધો છે કે જો તેઓ ગેમ્બલિંગ અને રોકડ ઈનામને પ્રોત્સાહન આપશે તો તેમની એપ્લિકેશન પણ હટાવી દેવામાં આવશે. સૂત્રોના મતે ગૂગલે વીડિયો સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડતી ડીઝની હોટસ્ટારને પણ આ પ્રકારની ચેતવણી આપી છે. ગૂગલે જણાવ્યું છે કે એપ્લિકેશન સંચાલકોએ તેમના પ્લેટફોર્મ પર ફેન્ટસી સ્પોર્ટ્સની એડવર્ટાઈઝ પૂર્વે ચેતવણી દર્શાવવી જરૂરી છે અન્યથા તેમની એપ્લિકેશન પણ હટાવી દેવામાં આવી શકે છે. પેટીએમએ પણ પોતાના હેન્ડલથી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમની એન્ડ્રોઈડ એપ પ્લે સ્ટોર પરથી થોડા સમય માટે હટાવી દેવામાં આવી છે અને નવી એપ તેમજ અપડેટ્સનું ડાઉનલોડ શક્ય નથી થઈ શકતું. પરંતુ આ એપ ફરીથી ઉપલબ્ધ થઈ શકશે. ગ્રહાકોના નાણાં સુરક્ષિત છે અને તેઓ સામાન્ય રીતે પેટીએમથી પેમેન્ટ કરવાનું ચાલુ રાખી શકે છે.SSS