Western Times News

Gujarati News

ચીનના હેકર્સોએ હવે NICના કર્મીઓનો ડેટા તફડાવી લીધો

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી
નવી દિલ્હી, ચીને ભારતીય રાજનેતાઓ, બિઝનેસમેન અને અન્ય આગળ પડતા લોકોની જાસૂસી કરી હોવાના અહેવાલ વચ્ચે હેકર્સ દ્વારા ડેટાની તડફંડી થઈ હોવાનો ખુલાસો થયો છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરનાં ૧૦૦ જેટલાં કમ્પ્યુટર્સમાં હેકર્સે ઘૂસણખોરી કરીને અતિ સંવેદનશીલ ડેટા તફડાવ્યો હોવાની આશંકા ઊભી થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે NICના ડેટાબેઝમાં વડાપ્રધાન સંબંધિત ગોપનીય વિગતો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતીઓ પણ સચવાતી હોય છે, આથી હેકિંગની આ ઘટનાને બેહદ ગંભીર ગણવામાં આવે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ, NICના કર્મચારીઓને એક મેઇલ મોકલવામાં આવ્યો હતો. એ મેઇલમાં મોકલાયેલી લિંક પર જેમણે ક્લિક કર્યું એ દરેકના કમ્પ્યુટરનો ડેટા ગાયબ થઈ ગયો હતો.

સાઇબર-અટેકનો ભોગ બનેલાં ૧૦૦ જેટલાં કમ્પ્યુટર્સ NIC ઉપરાંત મંત્રાલય સાથે સંબંધિત હતાં. NICની સત્તાવાર ફરિયાદ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે‌ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હાલ અલબત્ત, પોલીસ તરફથી કશી વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ આધારભૂત સૂત્રોના દાવા પ્રમાણે બેંગ્લુરુમાં એક અમેરિકન કંપની તરફથી મેઇલ મોકલીને હેકિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનની કેટલીક કંપનીઓ લગભગ દસ હજાર ભારતીયો પર નજર રાખી રહી છે. એમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વરિષ્ઠ અધિકારી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, નેતા, ખેલાડી, અભિનેતા સહિત ઘણી હસ્તીઓના ડેટા પર નજર રાખી રહી છે. ચીનની કંપનીઓ આ તમામ મુવમેન્ટને રેકોર્ડ કરી રહી છે. આ ખુલાસાનો મુદ્દો સંસદમાં ઊઠ્‌યો હતો, જે પછી વિદેશમંત્રાલય તરફથી ચીનના દૂતાવાસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, સાથે જ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે સમગ્ર મામલાને જોઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.