પોષણ નિષ્ણાત ઋજુતા દિવાકરે દાળ-ભાત અને ઘી ખાવા પર ભાર મુક્યો
ફિટ ઇન્ડિયા સંવાદમાં દરેક વયજૂથના લોકોની ફિટનેસની રુચિઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે અને ફિટનેસના અલગ-અલગ આયામોને આવરી લે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગના માધ્યમથી ઉંમર અનુસાર તંદુરસ્તી અંગેના પ્રોટોકોલનો પ્રારંભ કર્યો હતો.
શ્રી મોદીએ આ પ્રસંગે યોજવામાં આવેલા ફિટ ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતવીરો, ફિટનેસના નિષ્ણાતો અન્ય લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વર્ચ્યુઅલ સંવાદ પ્રાસંગિક અને અનૌપચારિક રીતે યોજાયો હતો જ્યાં સહભાગીઓએ પ્રધાનમંત્રી સાથે તેમના જીવનના અનુભવો અને તેમના ફિટનેસના મંત્રનું આદાનપ્રદાન કર્યું હતું.
પોષણ નિષ્ણાત ઋજુતા દિવાકર સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
ઋજુતા દિવાકરે જુના જમાનાની ભોજનની રીતભાતો એટલે કે દાળ-ભાત અને ઘી ખાવાની સંસ્કૃતિ ફરી અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો આપણે સ્થાનિક ઉપજો ખાઇએ તો, આપણા ખેડૂતો અને આપણા સ્થાનિક અર્થતંત્રને પણ લાભ થશે. વોકલ ફોર લોકલનો અભિગમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ્સ અંગે વાત કરી હતી જેમાં લોકો હવે કેવી રીતે ઘી બનાવવું તે શીખી રહ્યાં છે અને હળદરવાળા દૂધનું મહત્વ પણ તેમને સમજાઇ રહ્યું છે.
દિવાકરે જેનાથી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે એવા કોઇપણ ખોરાકથી દૂર રહેવાની વાત કરી હતી. દરેક પ્રાંતનો એક વિશેષ ખોરાક હોય છે અને ઘરનું ભોજન હંમેશા મદદરૂપ નીવડે છે છે. જો આપણે પેકિંગમાં મળતા અને પ્રસંસ્કરણ કરેલા ખાદ્ય પદાર્થો ખાવાનું બંધ કરીને ઘરે બનાવેલું ભોજન વધારે લઇશું તો, આપણે સરળતાથી સંખ્યાબંધ લાભો મેળવી શકીએ છીએ.
સ્વામી શિવધ્યાનમ સરસ્વતી સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
સ્વામી શિવધ્યાનમ સરસ્વતીએ જણાવ્યું હતું કે, તેમણે ખૂબ જ જાણીતી ઉક્તિ सर्वजन हिताय, सर्वजन सुखाय પરથી પ્રેરણા મેળવી છે જેનો અર્થ છે ‘સૌનું કલ્યાણ થાય, સૌ ખુશ રહે.’
તેમણે પોતાના ગુરુઓએ વિશે અને યોગનો પ્રચાર કરવા માટે તેમની પાસેથી મળેલી પ્રેરણા વિશે વાત કરી હતી. તેમણે પ્રાચીન કાળમાં ગુરુકુળમાં અનુસરવામાં આવતી ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે પરંપરામાં વિદ્યાર્થીના શારીરિક અને માનસિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું.
તેમણે યોગને માત્ર એક કસરત નહીં પરંતુ જીવન જીવવાની એક રીત ગણાવ્યા હતા જેનો પ્રારંભ ગુરુકુળના દિવસોમાં થયો હતો. પ્રધાનમંત્રીએ બદલાતી જીવનશૈલી અનુસાર યોગમાં અનુકૂલનતાઓ લાવવા અંગે ચર્ચા કરી હતી.