Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ કેલરી લેવાનું કેવી રીતે જાળવી રાખવું તે અંગે વિરાટ કોહલી સાથે ચર્ચા કરી

File

પ્રધાનમંત્રીએ વિરાટ કોહલી સાથે તેમના ફિટનેસ રૂટિન અંગે વાર્તાલાપ કર્યો હતો. વિરાટે જણાવ્યું હતું કે, તમારી શારીરિક મજબૂતીની સાથે સાથે માનસિક મજબૂતી પણ આવે છે.

દિલ્હીના પ્રખ્યાત છોલે-ભટૂરે તેમણે કેવી રીતે છોડી દીધા તેવો પ્રશ્ન પ્રધાનમંત્રીએ કરતા વિરાટે જવાબમાં, શિસ્તપૂર્ણ ડાયેટ સાથે ઘરે બનાવેલા સાદા ભોજનથી ફિટનેસનું સ્તર વધારવામાં મળતી મદદ અંગે વિગતે વાત કરી હતી.

શ્રી મોદીએ કેલરી લેવાનું કેવી રીતે જાળવી રાખવું તે અંગે ચર્ચા કરી હતી. વિરાટે જણાવ્યું હતું કે, પચ્યા વગરના ખોરાકની પ્રક્રિયા કરતા શરીરને અમુક સમય જોઈએ છે. પ્રધાનમંત્રીએ યોયો ટેસ્ટ અંગે વાત કરી હતી અને ફિટનેસ કલ્ચરમાં તે લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જ્યારે વિરાટને સવાલ કર્યો કે શું તમને ક્યારેય થાક નથી લાગતો ત્યારે વિરાટે જણાવ્યું હતું કે, પૂરતી ઊંઘ, ભોજન અને તંદુરસ્તી હોય તો સપ્તાહના ચાલુ દિવસોમાં શરીર ફરી તેની જરૂરિયાતની ઉર્જા પ્રાપ્ત કરી લે છે.

શિક્ષણવિદ મુકુલ કાનિટકર સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

મુકુલ કાનિટકરે જણાવ્યું હતું કે, ફિટનેસ એ માત્ર શરીર માટે જ નહીં પરંતુ માનસિક અને શારીરિક તંદુરસ્તી માટેની પણ પરિકલ્પના છે. તેમણે આરોગ્ય સંબંધિત સંસ્કૃતિનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો. સૂર્ય નમસ્કાર કરવાની લોકોને સલાહ આપવા તેમણે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાને બે તંદુરસ્ત વ્યક્તિ વચ્ચેનો સંવાદ ગણાવ્યો હતો.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020માં ફિટનેસને અભ્યાસક્રમના હિસ્સા તરીકે સમાવવા બદલ અને દરેક વ્યક્તિને ફિટ ઇન્ડિયાની દિશામાં કામ કરવા માટે પ્રેરણા આપવા બદલ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફિટનેસ એ મન (લાગણી), બુદ્ધિ (જ્ઞાન) અને ભાવના (વિચારો)નું સંયોજન છે.

પ્રધાનમંત્રીએ કરેલા નિવેદનો – આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફિટ ઇન્ડિયા સંવાદમાં દરેક વયજૂથના લોકોની ફિટનેસની રુચિઓ અંગે વાર્તાલાપ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે અને ફિટનેસના અલગ અલગ પરિમાણો પર આધારિત છે.

શ્રી મોદીએ એ તથ્યો પર પ્રકાશ પાડ્યો હતો કે, ફિટનેસ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કર્યા પછી દેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ફિટનેસ તરફ વળી રહ્યાં છે. લોકોમાં આરોગ્ય અને તંદુરસ્તી અંગેની જાગૃતિ સતત વધી રહી છે અને સક્રિયતામાં પણ વધારો થયો છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, યોગ, કસરત, ચાલવુ, દોડવું, આરોગ્યપ્રદ ભોજનની આદતો, આરોગ્યપ્રદ જીવનશૈલી હવે આપણી સજાગતાનો હિસ્સો બની ગયા છે. તેમણે જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા ચળવળે કોરોનાના સમયમાં અનેક પ્રતિબંધો વચ્ચે પણ તેનો પ્રભાવ અને સાંદર્ભિકતા પૂરવાર કરી બતાવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તંદુરસ્ત રહેવું એ કેટલાક લોકો વિચારી રહ્યાં છે એટલું અઘરું કામ નથી. જો થોડી શિસ્ત પાળવામાં આવે અને થોડો પરિશ્રમ કરવામાં આવે તો, હંમેશા તંદુરસ્ત રહી શકાય છે. તેમણે દરેકના આરોગ્ય માટે ‘ફિટનેસ ડોઝ, અડધો કલાક રોજ’ મંત્ર આપ્યો હતો. તેમણે દરેક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી યોગ કરવાનો અથવા બેડમિંટન, ટેનિસ અથવા ફુટબોલ, કરાટે અથવા કબડ્ડી જેવી રમત રમવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે યુવા મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયે સાથે મળીને ફિટનેસ પ્રોટોકોલ બહાર પાડ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં લોકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાઇ ગઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠન – WHOએ ડાયેટ, શારીરિક પ્રવૃત્તિ અને આરોગ્ય અંગે વૈશ્વિક વ્યૂહનીતિ તૈયાર કરી છે. તેમણે શારીરિક પ્રવૃત્તિઓ અંગે વૈશ્વિક ભલામણો પણ બહાર પાડી છે. આજે ઑસ્ટ્રેલિયા, જર્મની, બ્રિટન અને અમેરિકા જેવા સંખ્યાબંધ દેશોએ ફિટનેસ માટેના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે અને તેના પર કામ કરી રહ્યાં છે. આવા દેશોમાં સાથે સાથે ખૂબ જ મોટાપાયે અભિયાનો ચલાવવામાં આવે છે અને વધુને વધુ નાગરિકો દૈનિક કસરતના રૂટિનમાં જોડાઇ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.