અમદાવાદમાં સવારથી જ ઝરમર વરસાદ ચાલુ
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઝરમરથી મધ્યમ વરસાદ દિવસદરમિયાન જારી રહ્યો હતો. પવન સાથે વરસાદી માહોલ રહેતા લોકોને રવિવારના દિવસે મજા પડી ગઈ હતી. ઓફિસોમાં રજા હોવાના લીધે રસ્તાઓમાં પહેલાથી જ ઓછા ટ્રાફિકની સ્થિતિ રહી હતી. બીજી બાજુ લોકોએ વરસાદની મજા ઘરમાં રહીને માણી હતી. સવારમાં ઝાપટા બાદ મધ્યમથી ઝરમર વરસાદ જારી રહ્યો હતો.
આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૭ અને લઘુત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી રહેશે. અમદાવાદ માટે પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહેવા માટેની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પહેલી જૂન બાદથી હજુ સુધી સિઝનલ વરસાદની વાત કરવામાં આવે તો ૧૫૨.૪ મીમી વરસાદ થયો છે.
એટલે કે છ ઇંચ સુધી વરસાદ થયો છે જે ખુબ ઓછા વરસાદનો સંકેત આપે છે. સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસેલા હળવાથી ભારે ઝાપટાંઓના કારણે ગરમી અને ઉકળાટમાંથી થોડા સમય માટે નગરજનોને કંઇક રાહત અનુભવાઇ હતી પરંતુ મેઘરાજા મન મૂકીને નહી વરસતા શહેરીજનો થોડા ઉદાસ પણ થયા હતા.
લાંબા સમય બાદ વરસાદના ઝાપટાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જાવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન વરસાદના ઝાપટાઓ પડ્યા હતા.