Western Times News

Gujarati News

અમદાવાદના ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થશે : કલેકટર

અમદાવાદ : અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠકમાં જમીન અંગેની ૬૫ ફરિયાદોની સમીક્ષા કરવામાં આવતાં ખોટી રીતે જમીન પચાવી પાડવાની ઘટનાઓ પ્રાથમિક તપાસમાં બહાર આવતા ૨૪ સામે પ્રાથમિક તપાસ અહેવાલ – એફ.આઇ.આર નોંધવા અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે એ સૂચના આપી છે. ૬૫ ગુનામાંથી ૬૧નો નિકાલ કરવામાં આવ્યો હતો અને ૪ કેસોમાં સમાધાન થયું હતું. અમદાવાદમાં ૧૩ લાખથી વધુ ચોમી જમીન પર ગેરકાયદે દબાણો હોવા છતાં જિલ્લા કલેક્ટર દબાણો હઠાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ સરકારી પડતર જમીનો પર દબાણ થયાની ફરિયાદો થવા પામી છે. અમદાવાદ શહેરમાં નારોલમાં સરકારી જમીન પર દબાણો થયાની કુલ ૬૧ ફરિયાદો સરકારને મળી છે. અહીં ૪૪.૦૮ હેક્ટર પર દબાણો થયાં છે. વેજલપુરમાં ૩૫ અને ઘાટલોડિયામાં ૭૩ ફરિયાદો દબાણની મળી છે. સાબરમતીમાં પણ ૩૮ ફરિયાદો એવી મળી છે. ભૂમાફિયાઓએ સરકારી જમીન પર દબાણો કર્યાં છે.

ઘાટલોડિયામાં ૪૧.૭૦ હેક્ટર , વેજલપુરમાં ૨૧.૦૫ હેક્ટર , સાબરમતીમાં ૨૭.૨૭ હેક્ટર જમીન પર દબાણો થયા છે.
સૌથી વધુ દબાણો દસ્ક્રોઇમા ૭૮૨ ફરિયાદો મળી છે. આ વિસ્તારમાં ૪૫૪.૫૫ હેક્ટરમાં દબાણો થયાં છે. તે પૈકી હજુય ૪૭૯ સ્થળો પર કલેક્ટર દબાણો દૂર કરાવી શક્યા નથી.

બાવળામાં ૪૬ ફરિયાદો છે. જેમાં ૯.૨૮ હેક્ટર જમીન પર દબાણો થયાંની રજૂઆત થઇ છે. ધોળકામાં ૧૪.૨૯ હેક્ટરમાં સરકારી જમીન ભૂમાફિયાઓના કબજામાં છે. ધંધુકામાં ૬૦.૭૧ હેક્ટર જમીન પર દબાણો થયાની ૩૧ ફરિયાદો થઇ છે. સરકારી હેક્ટર પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં સરકારી જમીનો પર દબાણો થયાની કુલ ૧૦૯૩ ફરિયાદો ૨૦૧૭માં થઇ છે જેમાં આજેય
૭૦૭ સ્થળોએ દબાણ યથાવત છે. કલેક્ટર દબાણ દૂર કરાવી શક્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ૧૯૮૬અને ૨૦૦૬-૦૭માં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં ટીપી સ્કિમો સમયસર મંજૂર થઈ ન હતી. જેનો ફાયદો સ્થાનિક રાજકારણીઓ અને ભૂમાફિયાઓએ ભરપૂર લીધો છે. શહેરના ઈસનપુર, વટવા, લાંભા, નારોલ સહિતના વિસ્તારોમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓએ મોટાપાયે દબાણ કર્યા છે. ઈસનપુરના સર્વે નંબર ૬૩૧ અને ૩માં ૨૫૦થી વધુ ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે. જેને તોડવા માટે નોટિસો આપીને સ્થાનિક મામલતદારે સંતોષ માન્યો છે.

ઈસનપુરના પૂર્વ કોર્પોરેટર અને અન્ય આગેવાનોએ આ મુદ્દે ભીનું સંકેલવા પ્રયાસ કર્યા હતા. જેમાં તેઓ સફળ પણ થયા છે. શહેરના નાગરીકોને પ્રાથમિક સુવિધાઓ તથા સરકારની કચેરીઓ બનાવવા માટે સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ વર્ષોથી અડ્ડો જમાવીને બેઠા છે જેની સામે અત્યાર સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કલેકટર કચેરી તરફથી થઈ નથી. ભૂતકાળમાં પણ તત્કાલીન કલેકટરોએ રાજકીય દબાણ કે અન્ય કોઈ કારણ સર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાનું ટાળ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.