પતિએ તલ્લાકની ધમકી આપતા પત્નિનો આપઘાતનો પ્રયાસ
બે પુત્રીના જન્મ બાદ પતિનું પોત પ્રકાશ્યુંઃ દહેજ માટે પણ દબાણ કરાતા ત્રસ્ત પત્નિઅે અગ્નિસ્નાનનો કરેલો પ્રયાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્રમાં મોદી સરકાર આવતા જ મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલ્લાક બીલ પસાર કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આખરે ગઈકાલે રાજય સભામાંથી પણ આ ઐતિહાસિક બીલ પસાર થઈ જતા હવે રાષ્ટ્રપતિ આ બીલ પર મંજુરીની મહોર મારતા જ તે કાયદો બની જવાનો છે. આ બીલને મુસ્લિમ સમાજની મહિલાઓએ આવકાર્યું છે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરના કારંજ વિસ્તારમાં એક પતિએ તેની પત્નિને તલ્લાક આપવાની ધમકી આપતા માનસિક રીતે વ્યથિત બની ગયેલી પત્નિને આપઘાતનો પ્રયાસ કરતા સ્થાનિક વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે લગ્ન બાદ બે પુત્રીને જન્મ આપતા જ પતિ દ્વારા તલ્લાકની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે
આ ઉપરાંત દહેજ માટે પણ તેના પર દબાણ કરવામાં આવતુ હતું. કારંજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બીજીબાજુ અગ્નિસ્થાનને કરવાનો પ્રયાસ કરતા દાઝી ગયેલી પરિણિતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે સનાબાનુ મહેબુબહુસેન શેખ નામની મહીલાના લગ્ન ર૦૧પમાં મહેબુબ હુસેન સાથે થયા હતા. કારંજ ખાસ બજાર સામે ગલીમાં સનાબાનુ પતિ, જેઠ, જેઠાણી સહીતના સાસરીયાઓ સાથે રહેતી હતી લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરીઓ થઈ હતી જેથી પતિ મહેબુબભાઈ મારે દીકરો જાઈતો હતો કહીને મ્હેણાં ટોણા મારતા હતા જેમાં નણંદ નાજા પણ સાથ આપતી હતી ઉપરાંત જેઠ જેઠાણી પણ પતિનો સાથ આપી તેને હેરાન પરેશાન કરતા હતા.
વધુમાં સનાબાનુના પિતાએ દાગીના વેચીને તેને તથા પતિને રંગરેજની પોળ પટવા શેરી ખાતે મકાન લઈ આપ્યુ હતું જેના હપ્તા ચાલુ હતા જે માટે પણ મહેબુબભાઈએ સનાબાનુને તેના પિતા પાસેથી લોન લાવવા દબાણ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો આ અંગે સનાબાનુના પિતાએ મહેબુબભાઈને ઠપકો આપતા તેમણે તલ્લાક આપી દેવાની ધમકી આપી હતી જેથી સનાબાનુને લાગી આવતા તેમણે પિતાના ઘરે જ બાથરૂમમાં જઈ શરીરે કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કુટુંબીજનો હાજર હોઈ તેમણે બચાવી લીધી હતી
ઉપરાંત સનાબાનુએ દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો. બાદમાં તેમને એસવીપી હોસ્પીટલમાં લાવવામાં આવી હતી જયાં પોલીસને જાણ કરવામાં આવતા સનાબાનુએ પતિ, જેઠ, જેઠાણી તથા નણંદ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા કારંજ પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી.