Western Times News

Gujarati News

અમદાવાદમાં નકલી ચલણી નોટો ફરતી કરવાનું ષડયંત્ર

પ્રતિકાત્મક તસવીર

(પ્રતિનિધિ) અમદાવાદ : વિશ્વમાં મહાસત્તા બનવા તરફ ખૂબજ ઝડપથી વિકસી રહેલા ભારત દેશનું અર્થતંત્ર ખૂબજ મજબુત બની રહયું છે જેના પરિણામે કેટલાક દેશ વિરોધી તત્વો ભારતીય અર્થતંત્રને નબળુ બનાવવા માટે વિવિધ ષડયંત્રો ઘડી રહયા છે જેમાં સૌથી વધુ બોગસ ચલણી નોટો ભારતીય બજારોમાં ફરતી કરવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.

જેની સામે દેશભરની એજન્સીઓ સતર્ક છે અને અનેક ષડયંત્રોનો પર્દાફાશ કરી તપાસ કરવામાં આવી રહી છે. જુની રૂ.પ૦૦ અને ૧૦૦૦ના દરની વ્યાપક પ્રમાણમાં નકલી ચલણી નોટો ફરતી થઈ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નોટોને રદ્દ કરી દીધી હતી અને નવી ચલણી નોટો બજારમાં મુકી હતી પરંતુ દેશદ્રોહી તત્વો નવી ચલણી નોટોની પણ નકલી નોટો છાપવા લાગ્યા છે.

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક મોબાઈલ ફોનની દુકાનમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ દરની નકલી ચલણી નોટો આવવા લાગી હતી જેના પરિણામે તેણે સતર્ક બની નજર રાખતા ચાંદલોડિયામાં રહેતો એક શખ્સ આ ચલણી નોટો અસલી નોટો સાથે ઘુસાડતો હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ શખ્સની ધરપકડ કરી ગંભીર ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે જાકે આ સમગ્ર ષડયંત્રમાં ઝીણવટભરી તપાસ હજુ ચાલુ છે.

આ અંગેની વિગત એવી છે કે ભારતીય અર્થતંત્ર ખૂબજ મજબુત બની રહયું છે મોદી શાસનમાં રૂ.પ૦૦ અને ૧૦૦૦ના દરની જૂની ચલણી નોટો રદ કરી દેવાયા બાદ તેના સ્થાને રૂ.ર૦૦૦ તથા પ૦૦ના દરની અને રૂ.ર૦૦ના દરની નવી ચલણી નોટો બજારમાં મુકવામાં આવી છે દેશદ્રોહી તત્વો દ્વારા નવી ચલણી નોટોની પણ નકલી નોટો છાપવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેના પરિણામે પોલીસતંત્ર આ ગંભીર ષડયંત્રમાં સતર્ક બનેલું છે આ સમગ્ર ષડયંત્ર આંતરરાષ્ટ્રીય સ્તર પર ફેલાયેલું છે.

જાકે કેટલાક કિસ્સાઓમાં લેભાગુ તત્વો સારા કાગળ પર ચલણી નોટોની ઝેરોક્ષ કરીને બજારમાં ફરતી કરતા હોય છે પરંતુ આવી નોટો સહેલાઈથી પકડી લેવામાં આવે છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પાવાપુરી ખાતે ખુશી મોબાઈલ ફોનની દુકાન આવેલી છે
આ દુકાનના માલિક વિનોદભાઈ શંભુભાઈ થલતેજમાં રહે છે અને નિયમિત રીતે તેઓ પોતાના નિવાસસ્થાનેથી દુકાને જતા હોય છે દિવસભર વકરામાં આવેલી ચલણી નોટો તેઓ રોજ સાંજે ગણતરી કરતા હોય છે આ દરમિયાનમાં છેલ્લા કેટલાક સમયથી તેમના વકરામાં નકલી ચલણી નોટો આવવા લાગી હતી.

જેના પરિણામે આ નકલી નોટો બાજુ પર મુકી દીધી હતી દરમિયાનમાં આ સીલસીલો યથાવત રહયો હતો જેના પરિણામે તેઓ ચોંકી ઉઠયા હતા અને કોઈ ચોક્કસ ગ્રાહકો અસલી નોટોના બંડલમાં નકલી ચલણી નોટો મુકી દેતા હોવાનું મનાઈ રહયું હતું જેના પરિણામે તેમણે દુકાનમાં આવતા અને ખાસ કરીને નિયમિત આવતા ગ્રાહકો પર નજર રાખવાની શરૂઆત કરી હતી.

વહેપારીએ વોચ રાખતા જ ચાંદલોડિયા ગાયત્રીનગર વિભાગ-૪ માં રહેતો ગજુ જીવણભાઈ પ્રજાપતિ નામના શખ્સની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી જેના પરિણામે તેના પર ખાસ નજર રાખવામાં આવી હતી સોમવારે રાત્રે ગજુ તેમની દુકાન પર આવ્યો હતો અને ખરીદી કરવા માટે તેણે નોટોનું બંડલ કાઢયું હતું સતર્ક બનેલા વિનોદભાઈએ ગજુએ આપેલી ચલણી નોટો તપાસવાની શરૂઆત કરતા તેમાંથી કેટલીક નોટો નકલી જાવા મળી હતી જેથી વિનોદભાઈએ ગજુને ખબર ન પડે તે રીતે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ગંભીર એવી આ ઘટનાની જાણ થતાં સોલા પોલીસના અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને તાત્કાલિક ઘાટલોડિયા ખાતે આવેલી ખુશી મોબાઈલ શોપમાં પહોંચ્યા હતા આ દરમિયાનમાં દુકાનના માલિક વિનોદભાઈએ ગજુ ને વાતચીતમાં વ્યસ્ત રાખ્યો હતો અને પોલીસે ગજુને ઝડપી લીધો હતો. દુકાનના માલિક વિનોદભાઈએ નકલી નોટો પોલીસને આપી હતી.

પોલીસે દેશ વિરોધી આ ષડયંત્રમાં ગજુની ધરપકડ કરી તેની પુછપરછ શરૂ કરી છે.  આ ષડયંત્રમાં વિનોદભાઈએ ગજુ વિરૂધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. આ ષડયંત્રમાં સ્થાનિક પોલીસ ઉપરાંત એસઓજીના અધિકારીઓ પણ સામેલ થઈ ગયા છે અને પકડાયેલા ગજુની પુછપરછ શરૂ કરવામાં આવી છે.

એસઓજીએ ગજુને પોતાની કચેરીમાં લઈ જઈ પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે તે એક ઓનલાઈન ફ્રુડ કંપનીમાં નોકરી કરી રહયો છે અને રોજ તે રપ થી ૩૦ પાર્સલોની હોમ ડિલીવરી કરે છે તેથી કોઈએ તેને આ નોટો આપી તેવો બચાવ કરી રહયો છે

બીજીબાજુ એસઓજીએ નિષ્ણાંતોની મદદથી આ નકલી નોટોની તપાસ કરતા સાદા કાગળ પર કલર ઝેરોક્ષથી આ નોટો છાપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં એસઓજી ગજુની સઘન પુછપરછ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.