આમોદની ઢાઢર નદીએ ૯૯ ફૂટની સપાટી વટાવતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
કાંકરિયા ગામ પાસે આવેલી આઈટીઆઈમાં તાલીમાર્થીઓની પરીક્ષા બંધ રાખવામાં આવી |
(પ્રતિનિધિ) ભરૂચ, વડોદરામાં પડેલા ધોધમાર વરસાદને પગલે આમોદની ઢાઢર નદીની સપાટીમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. જેને પગલે જંબુસરના પ્રાંત અધિકારી એ કે કલસરિયા આમોદ મામલતદાર કે એચ તરાલ તથા ઇન્ચાર્જ ટીડીઓ રિશી દેશલેએ ઢાઢર નદી ઉપર પહોંચી રૂબરૂ નિહાળી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હજુ પણ ઢાઢર નદીની સપાટી ભયજનક રીતે વધી રહી હોય આમોદ વહીવટી તંત્રે પ્રાંત અધિકારીની સૂચના મુજબ નદી કાંઠાના ગામોને સાબદા કરી એલર્ટ કર્યા હતા. આમોદ મામલતદારે પણ આજુબાજુના ગામડાની મુલાકાત કરી હતી તેમજ ગામના તલાટીઓએ હેડ ક્વાર્ટરના છોડવાનો પણ આદેશ કરાયો છે. નદી કાંઠાના ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
વડોદરામાં પડેલા અનરાધાર વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ હતી અને આજુબાજુના ખેતરોમાં પણ નદીના પાણી ઘુસી ગયા હતા. તેમજ ઢાઢર નદીમાં મગરો પણ અસંખ્ય પ્રમાણમાં હોવાને કારણે લોકોમાં મગરોનો પણ ભય ફેલાયો છે. આમોદમાં ત્રણ ઇંચ પડેલા વરસાદને કારણે આમોદ તાલુકાના પુરસા તેમજ કાંકરિયા ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. જેથી લોકોને આવનજાવન કરવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. તેમજ પુરસા અને કાંકરિયા ગામથી આવતા વિધાર્થીઓને શિક્ષણ કાર્યમાં પણ અવરોધ ઉભો થયો હતો. આમોદની આઈટીઆઈ કાંકરિયા ગામ પાસે આવેલી હોય રોડ ઉપર વરસાદી પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર બંધ થતાં આઈટીઆઈ માં લેવાનારી પરીક્ષાઓ પણ મંજૂરી મેળવીને પોસ્પોન્ડ રાખવામાં આવી હતી.*