પિતાએ ૧૧ વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું
અમદાવાદ, સૌરાષ્ટ્રમાં સતત બની રહેલી દુષ્કર્મની ઘટનાઓથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. આ કેસમાં મોટાભાગે સગીરાઓ ભોગ બનતી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન જામનગર, જૂનાગઢ અને મોરબીમાં ફરી દુષ્કર્મની ઘટનાઓથી લોકોનો આક્રોશ ચરમ પર પહોંચ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં એક પિતાએ માસૂમ પુત્રી પર હેવાના બની દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પણ નોંધાયો છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં સંબંધોને લજવતી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની ૧૧ વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે.
આ મામલે બાળકીની માતાને જાણ થતાં તેણીએ પોલીસને જાણ કરી હતી. જોડિયા પોલીસ મથકે આ મામલો પહોંચ્યા બાદ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. ખુદ પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યાનો બનાવ બનતા જોડિયા પંથકમાં નરાધમ પિતા પર ફિટકાર વરસી છે. જૂનાગઢના માંગરોળ તાલુકામાં એક સગીરા પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.
આ કેસમાં ફરિયાદ બાદ પોલીસે આરોપી શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ પ્રમાણે અહીં એક સગીરાને બે શખ્સો ઘરની નજીકથી લઈ ગયા હતા. જે બાદમાં એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને બીજા શખ્સે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. આ બનાવ ૨૫ દિવસ પહેલા બન્યો હતો. આ મામલે સગીરાની માતાએ ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં બળાત્કાર ઉપરાંત પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને બંને શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
બીજી તરફ મોરબી જિલ્લાના માળિયામાં એક અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર યુવતીના ભાઈએ પોલીસે ફરિયાદ નોંધાવી છે. યુવતી પર પાંચથી છ માસ પહેલા દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.SSS