કોરોનાથી ગભરાયેલ સાયન્સના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
વડોદરા: વૈશ્વિક કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની મહામારીના કારણે અનેક લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. તો અનેક લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કિશોરે કોરોના થઇ જવાની બીકે બહાર નિકળવાનું જ બંધ કરી દીધું હતું.
આટલું ઓછું હોય તેમ રસી આવે તેવી શક્યતા નહી લાગતા કોરોનાના ડરને કારણે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સાયન્સમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી ઘરની બહાર નીકળતો ન હતો.
તે કહેતો હતો કે, જ્યાં સુધી વેક્સીન નહિં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહિં નીકળું. માંજલપુર પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં રહેતા આવેલી સોસાયટીમાં રહેતા પિયુષ (નામ બદલ્યું છે) (ઉં.૧૫) નામના કિશોરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં તુરત જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને લાશનો કબજાે લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર પિયુષ ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ છે. ત્યારથી તે ઘરની બહાર નીકળતો ન હતો. પારસ સતત ડિપ્રેશનમાં રહેતો હતો. તે કહેતો હતો કે, જ્યાં સુધી કોરોનાની વેક્સીન નહિં આવે ત્યાં સુધી ઘરની બહાર નીકળું નહિં. આખરે વિદ્યાર્થીએ કોરોનાની મહામારીના ડરથી આપઘાત કરી લઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. માંજલપુર પોલીસે હાલમાં આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.