Western Times News

Gujarati News

યુવકે પત્ની સાથે મળી યુવતિ પર આઠ દિવસ સુધી બળાત્કાર કર્યો

દંપતીએ છરીની અણીએ યુવતીનું અપહરણ કરીને તેને નરોડામાં આવેલા ઘરમાં ગોંધી રાખી

(એજન્સી) અમદાવાદ, યુવકે પત્ની સાથે મળીને યુવતી પર મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકે પત્ની સાથે મળીને છરીની અણીએ યુવતીનું અપહરણ કર્યું હતું અને આઠ દિવસ સુધી તેના ઘરમાં ગોંધી રાખી હતી. યુવતીને ગોંધી રાખ્યા બાદ યુવક તેની સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. યુવક અને યુવતી એક બીજાને પ્રેમ કરતા હતા પરંતુ યુવક ઝનુની તેમજ વિકૃત સ્વભાવનો હોવાથી યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

સંબંધ તોડી નાખ્યા બાદ યુવકે તેની પત્ની સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું હતું અને બાદમાં બળજબરીપૂર્વક મૈત્રી કરાર પણ કરાવ્યો હતો. આઠ દિવસની કેદ બાદ યુવતિ જયારે હવસખોર દંપતીની ચુંગલમાંથી છુટી ત્યારે તે આપઘાત કરવા માટે કેનાલ પાસે ગઈ હતી પરંતુ એક વ્યક્તિએ તેને બચાવી લીધી હતી.

સૈજપુર બોધા ખાતે રહેતી મીના (નામ બદલ્યું છે) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રકાશ રાણા અને તેની પત્ની દીપિકા રાણા (બંને રહે. નરોડા) વિરૂદ્ધ બળાત્કાર તેમજ ધાકધમકીની ફરિયાદ કરી છે. મીના કેટરિંગનું કામ કરીને ગુજરાન ચલાવે છે. છ મહિના કેટરિંગમાં કામ કરવા જવાનું હોવાથી તેમનો કોન્ટ્રાકટર તરુણ પટેલ રિક્ષા માટે પ્રકાશ રાણાને બોલાવતા હતા.

મીના અને બીજા સ્ટાફને પ્રકાશ પ્રસંગ હોય ત્યાં મૂકવા અને લેવા માટે જતો હતો. પ્રકાશ અને મીના એક બીજાને ઓળખતાં હોવાથી તેઓ એક બીજાને પ્રેમ કરવા લાગ્યાં હતા. પ્રકાશ પોતાની મરજી ચલાવવા માટે પોતાના હાથ પર છરીના ઘા ઝીંકતો હતો. પ્રકાશ વિકૃત અને ઝનૂની સ્વભાવનો હોવાથી મીનાએ તેની સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી.

પ્રકાશ અવારનવાર મીનાને ફોન કરીને ધમકી આપતો હતો કે તું મારી સાથે સબંધ નહીં રાખે તો હું તારા ભાઈને જાનથી મારી નાખીશ. હું મારી જાતને છરી અને બ્લેડ મારીને નુકસાન કરી શકું છું તો તારા ભાઈને મારી નાખવામાં મને વાર નહી લાગે. પ્રકાશ મીનાને દબાવવા માટે બ્લેકમેઈલ કરતો હતો. જે મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી.

થોડા દિવસ પહેલાં મીના દુકાનમાં વસ્તુ લેવા માટે જતી હતી ત્યારે પ્રકાશ તેની પત્ની દીપિકા સાથે બાઈક પર આવ્યો હતો. પ્રકાશે છરી બતાવીને મીના તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીપૂર્વક બાઈક પર બેસવાનું કહ્યું હતું. દરમિયાનમાં દીપિકાએ મીનાના વાળ પકડીને બાઈક પર બેસાડી દીધી હતી અને ઘીકાંટા કોર્ટમાં લઈ ગયો હતો.

પ્રકાશ કોર્ટમાં પહોંચીને જબરજસ્તી મૈત્રી કરાર પર મીનાની સહી લઈ લીધી હતી. મૈત્રી કરાર બાદ પ્રકાશ અને દીપિકા મીનાને કાંકરિયા લઈ ગયા હતાં જયાં તેને બે કલાક ધમકાવી હતી. થોડા સમય બાદ દંપતી મીનાને કિન્નરના ઘરે લઈ ગયા હતા ત્યાં તેને બે કલાક બેસાડી રાખી હતી.

બાદમાં પ્રકાશ મીનાને પોતાના નરોડા ખાતે આવેલા ઘરે લઈ ગયો હતો અને તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. પ્રકાશે મીનાને આઠ દિવસ સુધી ગોંધી રાખી હતી અને તેની સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધતો હતો મીના જયારે પ્રકાશનો પ્રતિકાર કરતી ત્યારે દીપિકા પતિનો સાથ આપતી હતી. દીપિકા મીનાના હાથ પકડી રાખતી હતી અને પ્રકાશ તેની સાથે સંબંધ બાંધતો હતો.

પ્રકાશ મીનાને તેના પરિવાર સાથે પણ વાત કરવા દેતો નહી. બે દિવસ પહેલા દીપિકા અને પ્રકાશ હોસ્પિટલ ગયા હતા ત્યારે મીના ત્યાંથી નીકળી ગઈ હતી અને આત્મહત્યા કરવા માટે સીધી કેનાલ પાસે પહોંચી ગઈ હતી.

કેનાલમાં કૂદકો મારે તે પહેલાં એક યુવકે મીનાને બચાવી લીધી હતી અને બાદમાં તેની માતા સાથે વાત કરાવી હતી. માતા સાથે વાત કર્યા બાદ મીનાએ આપઘાત કરવાનું ટાળ્યું હતું અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કૃષ્ણનગર પોલીસે પ્રકાશ અને દીપિકા વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.