Western Times News

Gujarati News

એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું: કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ

કંપનીએ સ્વીકાર્યું છે કે તેનાથી TTS જેવી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે, જેના કારણે લોહી ગંઠાઈ જાય છે

(એજન્સી)લંડન, કોરોના વખતે આખી દુનિયા તેની વેક્સિન શોધવાની દોડમાં સામેલ થઈ હતી અને જ્યારે વેક્સિન શોધાઈ ગઈ ત્યારે તેને લેવા માટે લોકો લાઈનમાં ઉભા હતા. પરંતુ હવે કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન અંગે આંચકાજનક માહિતી બહાર આવી છે. AstraZeneca Admits: Heart Attack Risk from CoviShield Vaccine

કોવિશિલ્ડનું ઉત્પાદન કરતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બે વર્ષ પછી સ્વીકાર્યું છે કે કોવિશિલ્ડથી ગંભીર આડઅસર થઈ શકે છે. તેના કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો ખતરો રહે છે.

એસ્ટ્રાઝેનેકાએ યુકેની હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ -૧૯ની વેક્સિનના કારણે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. ટીટીએસ એવી તકલીફ છે

જેના કારણે લોહી ગંઠાઈ શકે એટલે કે બ્લડ ક્લોટ થઈ શકે છે અથવા શરીરમાં પ્લેટલેટ્‌સ ઝડપથી ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. બ્રિટિશ અખબાર ટેલિગ્રાફના અહેવાલ મુજબ એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોત નિપજ્યા હોવાના આરોપો છે. આ ઉપરાંત બીજા ઘણાને ગંભીર બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો છે.

ભારતમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનને કોવિશિલ્ડના નામે તરીકે ઓળખવામાં આવે છે. કંપનીએ પોતાના ડોક્યુમેન્ટમાં સ્વીકાર્યું છે કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે ટીટીએસનું કારણ બની શકે છે. હાલમાં આ કંપની સામે હાઈકોર્ટમાં ૫૧ કેસ ચાલી રહ્યા છે.

એસ્ટ્રાઝેનેકા પાસેથી પીડિતો દ્વારા લગભગ ૧ હજાર કરોડ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી છે. એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી તેની વેક્સિન બનાવી હતી.

હવે કંપની સ્વીકારે કે તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોત થયા છે અને અન્ય લોકોને ગંભીર બીમારી થઈ છે, તો કંપનીને આવી સ્થિતિમાં મોટો દંડ પણ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકો માનતા હતા કે કોવિડની વેક્સિનથી હાર્ટ પર અસર થાય છે.

નાની વયના લોકો અચાનક હાર્ટએટેકથી મૃત્યુ પામે તેવા કેસ વધ્યા પછી કોવિડની વેક્સિન તરફ શંકા ગઈ હતી. એપ્રિલ ૨૦૨૧માં જેમી સ્કોટ નામની વ્યક્તિએ આ વેક્સિન લીધા પછી તેની તબિયત બગડી અને તેનું લોહી ગંઠાઈ જવાથી મગજને અસર થઈ હતી. તેના દિમાગમાં આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. ત્યાર બાદ સ્કોટે ગયા વર્ષે એસ્ટ્રાઝેનેકા સામે ફરિયાદ નોંધાવી હતી.

સ્કોટના આરોપોના જવાબમાં મે ૨૦૨૩માં કંપનીએ દાવો કર્યો કે તેની વેક્સિનથી ટીટીએસ થતું નથી. પરંતુ ફેબ્રુઆરીમાં હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા કાનૂની દસ્તાવેજોમાં કંપનીએ આ દાવો પાછો ખેંચી લીધો હતો. એસ્ટ્રાઝેનેકાએ પોતાના બચાવમાં કહ્યું કે કોવિડની રસીના કારણે ૬૦ લાખ લોકોના જીવ બચાવી શકાયા છે. તે સમયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ પણ કહ્યું હતું કે ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે આ વેક્સિન સલામત અને અસરકારક છે.

તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને આ રસીને બ્રિટિશ વિજ્ઞાન માટે એક મોટી જીત ગણાવી હતી. પરંતુ હવે લાગે છે કે કોવિડની સામે રક્ષણ આપનાર આ વેક્સિને લોકોના હાર્ટને જોખમમાં મૂકી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.