ભારત વિકાસ પરિષદનાં સૌજન્યથી બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/1912-Uttar.H.panchal-2-1024x810.jpg)
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત વિકાસ પરિષદ પાલડી, અમદાવાદ અને શ્રી બિરેન ચંપકલાલ સી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ -, અમદાવાદના સૌજન્ય અને ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના સંકલનથી તારીખ ૧૬-૧૨-૨૪ ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના જાડીસેબલ , ઘોરઘડ ફળો, સંગ્રામપુરા, તાદલીયા ગામ, શિશવલ્લા, પઢારા -૩(બચુ પરમાર પ્રાથમિક શાળા) અને ટુટા ખાદરા એમ કુલ ૭ શાળાઓમાં અંદાજે ૧.૮૯ લાખ રૂપિયાના ૧૦૮૩ નવીન ગુણવત્તાયુક્ત સ્વેટરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું .
દરેક શાળામાં સૌપ્રથમ ભારત માતા અને શ્રી વિવેકાનંદની છબીને તિલક કરી ૫-૭ મીનીટમાં શ્રી બિરેન ચંપકલાલ સી.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ-અમદાવાદ અને ભારત વિકાસ પરિષદ – પાલડી અને ખેડબ્રહમાનો પરિચય આપવામાં આવતો.
એ પછી દાતાશ્રીઓ સહિત સ્વયંસેવકો દ્વારા સ્વેટર વિતરણની કામગીરી શરૂ કરાતી. સવારે ૧૧ઃ૩૦ વાગે જાડીસેબલ પ્રાથમિક શાળામાં સયુંકત કાર્યક્રમ કરી પછી બે ગ્રુપમાં સમાંતર શરૂ થયેલો સેવાયજ્ઞ એ ક્રમશઃ ઘોરઘડ ફળો, સંગ્રામપુરા, તાદલીયા ગામ, શિશવડલા, પઢારા -૩(બચુ પરમાર પ્રાથમિક શાળા) અને ટુટા ખાદરા એમ ૭ શાળાઓમાં સાંજે ૪. ૧૫ કલાક સુધી ચાલતો રહ્યો.વસુદેવ કુટુંબકમની ભાવનાથી શરૂ થયેલી આ પ્રવૃત્તિમાં સૌ સ્વેચ્છાએ જોડાયા હતા
એટલે કામ પૂર્ણ થયે થાક નહીં પણ એક જાતનો આનંદ કે સંતોષ હતો. એક અર્થમાં આજનો દિવસ સ્વને બદલે સમાજ અને રાષ્ટ્ર માટે અપાયો એનો સંતોષ હતો. વળી, એ વાતનો પણ આનંદ હતો કે જ્યાં જરૂરિયાત છે ત્યાં વસ્તુ પહોંચી છે. દીન દુઃખીયાની સેવામાં જ સાચો ધર્મ છે એ વિવેકાનંદ વાક્ય કમ સે કમ આજના ગવ્યોદિવસ માટે તો સાર્થક થતું જણાયું.
આ પ્રસંગે કહેવું જોઈએ કે બે ત્રણ કિલોમીટર ચાલીને શાળામાં આવતા બાળકો અને અનેક મુશ્કેલીઓ વચ્ચે ભણાવતા આ શાળાના શિક્ષકો સૌ વંદનને પાત્ર છે. તેઓ અનેક મુશ્કેલીઓમાં શ્રદ્ધાપૂર્વક તકો શોધી રહ્યા છે.આ વિસ્તારના શાળાના શિક્ષકોના કાર્ય જોઈને કહી શકાય કે તે બાળકના વાલી અને શિક્ષક બંનેની ફરજ એક સાથે નિભાવી રહ્યા છે. બાળકોના આચાર- વિચાર જોઈને લાગતું હતું કે શિક્ષકોએ શિક્ષણની સાથે સંસ્કાર ઘડતરનો વારસો પણ આપી રહ્યા છે .
આ સેવાયજ્ઞમાં પંકજભાઈ સી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ – વાસણા -અમદાવાદના પ્રા.પંકજભાઈ શાહ, ભારત વિકાસ પરિષદ પાલડીના શ્રી જયેશભાઈ સોની, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ રાણપરા, શ્રી વિજયભાઈ સોની વગેરેની હાજરી એક રીતે પ્રેરક બની ગઈ કારણ કે એમાં લક્ષ્મીદાન, વિચારદાન અને સમયદાન ત્રણે જોડાયેલા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા વતી
શ્રી પ્રો. ડૉ. રોહિત દેસાઈ, શ્રી રાજુભાઈ રાવલ, ડો. હરપાલસિંહ ચૌહાણ, પ્રો. ડો. દિલીપભાઈ સોંદરવા વગેરેની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સેવા સંયોજક તરીકે મને પણ આ કાર્યક્રમમાં સંકલનકર્તા તરીકે જોડાવાનું સદભાગ્ય સાંપડયું હતું. આ સ્વેટર વિતરણમાં આપણા ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માંના સદસ્ય શ્રી મનીષભાઈ કોઠારીનો પણ રૂપિયા ૫૫૦૦ જેટલો ફાળો છે.