ભરૂચ પાલિકાએ લાઈટનું ૬.૩૩ કરોડનું બાકી બીલ ન ભરતા સ્ટ્રીટ લાઈટના જોડાણ કપાતા અંધારપટ
૮૦ સ્ટ્રીટ લાઈટના મીટર જોડાણ કાપી નાંખવામાં આવતા શહેરના ૩૦૦૦ વીજપોલ ની લાઈટો બંધ.
સોમવારે અંધેર વહીવટના આક્ષેપ સાથે વિપક્ષ ફૂલ આપી ગાંધીગીરી કરી શાસકને અરીસો બતાવવાનો પ્રયાસ કરશે
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ નગર પાલિકાના પાપે ભરૂચના મુખ્ય માર્ગ ઉપર અંધારપટ છવાયો છે.સ્ટ્રીટલાઈટના રૂપિયા ૬.૩૩ કરોડનું વીજ બિલ બાકી હોવાથી ૮૦ સ્ટ્રીટ લાઈટના મીટરના જોડાણો દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કાપી નાંખતા શહેરના ૩૦૦૦ જેટલા વીજપોલની લાઈટો બંધ થતાં વિપક્ષે પાલિકાના વહીવટ મુદ્દે શાસક પક્ષ પર અંધેર વહીવટના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જીલ્લાની ભાજપ શાસિત ભરૂચ નગરપાલિકાના ૬.૩૩ કરોડ મળી જીલ્લાની ચાર નગરપાલિકાના ૯.૩૩ કરોડના બાકી વીજ બિલ ના મુદ્દે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કડક કાર્યવાહી હાથઘરી છે.દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ભરૂચ પાલિકાના સ્ટ્રીટ લાઈટોના જોડાણો કાપવાની શરૂઆત કરી છે.
ભરૂચ પાલિકામાં વોટર વર્ક્સના ૩૩ જોડાણો,સ્ટ્રીટલાઈટના ૨૪૧ વીજ કનેક્શનનું બાકી રૂપિયા ૬.૩૩ કરોડના બીલની ઉઘરાણી સામે નાણાકીય વર્ષના અંતને લઈ કડક કાર્યવાહી હાથઘરી છે.જેના ભાગરૂપે ભરૂચના સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો ઉપરના ૮૦ જેટલા સ્ટ્રીટલાઈટના મીટરના જોડાણ એક ઝાટકે કાપી નાંખતા શહેરના વિવિધ વિસતારોના ૩૦૦ જેટલા વીજપોલો ઉપર લાઈટો બંધ થતાં અંધારપટ છવાયો હતો.
વીજ કંપનીની કડક કાર્યવાહી બાદ ભરૂચ પાલિકા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદે શાસક પક્ષના પદાધિકારીઓને અધિકારીઓ પર શાબ્દિક પ્રહાર કરી વિધાનસભા માં ૧૫૬ સીટ ભાજપને આપી તેનાથી સત્તાના નશામાં મસ્ત થઈ અંધેર વહીવટ કરી આ ભેટ પ્રજાને આપી છે.ત્યારે પાલિકાએ ગેરવહીવટી કૃત્ય કર્યું છે.
જેના પગલે ભરૂચની જનતા અંધકારમાં છે.પાલિકાના ચીફ ઓફિસર તેમજ ચેરમેન સહિત લાઈટ શાળાના અધિકારીઓ બહાર ગામ છે.જોકે આવી સમસ્યા દરમ્યાન લોકોની પડખે ઉભા રહેવું જોઈએ.તો બીજી તરફ સોમવાર ના રોજ વિપક્ષ શાસક પક્ષ પાસે આ બાબતે જવાબ માંગશે અને ફૂલ આપી ગાંધીગીરીના ભાગરૂપે અરીસો બતાવવાનો પ્રયાસ કરશે.
ભરૂચ જીલ્લાની અન્ય નગરપાલિકાઓ પૈકી આમોદ પાલિકાના ૨.૧૩ કરોડના બાકી બિલ, જંબુસર પાલિકાના ૧.૫૩ કરોડના બિલ તેમજ અંકલેશ્વર પાલિકાના ૬.૫૭ લાખ વીજ કંપનીને ભરવાના બાકી છે.જેના પગલે ચારેય પાલિકા વિસ્તારમાં આવતી સ્ટ્રીટલાઈટના જોડાણો કાપી નાંખવામાં આવ્યા છે.
પાલિકાના આ અંધેર વહીવટના કારણે લોકોએ હાલ અંધારા ઉલેચવાના વારા આવ્યા છે.ત્યારે પાલિકા વિજ કંપનીના બિલો ક્યારે ભરપાઈ કરે છે તે જોવું રહ્યું.