SGVPના 250 જેટલા સ્વયં સેવકોએ સંતો સાથે મળીને જરુરીયાત મંદોને ચંપલ પહેરાવ્યા
વડતાલધામ સ્વામી નારાયણ મંદિર દ્વારા 15 હજાર જોડી ચપ્પલોનું વિતરણ
નડિયાદ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્ષે છે ત્યારે વડતાલ સંસ્થા દ્વારા છારોડી SGVP ગુરુકુળ મેમનગરના યજમાન પદે ૧૫ હજાર ચંપલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. Distribution of 15 thousand pairs of slippers by Vadtaldham Swami Narayan Mandir
૪૫ જેટલા વાહનોને વડતાલથી મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , પુજ્ય બાપુ સ્વામી, ધર્મનંદન સ્વામીએ ધજા ફરકાવીને શરૂઆત કરાવી હતી. પુ શ્યામ સ્વામીએ વિગત આપતા જણાવ્યું હતું કે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહના સંદેશને લઇ ઉનાળાની ધોમધમતી ગરમીમા ઉઘાડા પગે ચાલતા દરિદ્રનારાયણોને ૧૫ હજાર જોડી ચંપલનું વિતરણ કરવામાં આવ્યું છે.
જનસેવા એ પણ પ્રભુસેવા , એ સંપ્રદાયનુ સુત્ર છે. અનેકવિધ સેવાઓ સાથે સર્વજીવ હિતાવહ સૂત્રને વડતાલ સંસ્થાન સાર્થ કરી રહ્યું છે. ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે આકાશમાંથી સૂર્યનારાયણ કાળઝાળ ગરમી ઓકી રહ્યા છે.
ધરતી પર ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઉઘાડા પગે ચાલતા જરૂરિયાતમંદ અને દરિદ્રનારાયણોને બળબળતા તાપમાં ઉઘાડા પગે ચાલવું ન પડે તેવા ઉદ્દેશ સાથે વડતાલ સ્વામિનારાયણ મંદિર દર વર્ષે ઋતુ અનુસાર દરિદ્રનારાયણો માટે સેવાયજ્ઞ યોજે છે.
રવિવાર તા. ૨૮મી એપ્રીલના રોજ દરિદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ૧૫ હજાર જોડી ચંપલ વિતરણનો સેવાયજ્ઞ યોજાયો હતો. જેનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો . પુ સંત સ્વામી – મુખ્ય કોઠારી , પૂ.બાલકૃષ્ણસ્વામી – છારોડી , શ્રી વલ્લભસ્વામી, શાસ્ત્રી હરિઓમસ્વામી પાઠશાળા તથા પાર્ષદ ભાસ્કરભગતજીએ મંગલ પ્રારંભ કરાવ્યો હતો.
ભક્તોએ સંતોનું પૂજન કર્યું હતું. ચંપલ વિતરણ માટે ૪૫ રૂટ નક્કી કરવામાં આવ્યા હતા.તમામ રૂટ જતા સેવકોને સંતોએ જરૂરી સુચનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. પ પુ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજે ફોનના માધ્યમે ગુરૂકુલ પરિવાર પર રાજીપો દર્શાવ્યો હતો. બાલકૃષ્ણ સ્વામીએ સેવાના અવસર બદલ વડતાલ સંસ્થાનો આભાર માન્યો હતો..
છારોડી ગુરૂકુલથી ત્રણ સંતો અને ૨૫૦ ભક્તો પદયાત્રા કરીને વડતાલ પહોંચ્યા હતા તે સર્વનું પૂજન કરી હાર પહેરાવી સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા.. આ તાપમાં પદયાત્રા કરનાની શ્રદ્ધાને સહુએ કરતલ ધ્વનીથી વધાવી લીધી હતી.. આ સમગ્ર વ્યવસ્થા શ્યામ સ્વામી, પ્રિતેશભાઇ કરમસદવાળા , જીજ્ઞેશભાઈ વગેરે સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામા આવી હતી.
દરેક રૂટમાં ૨૫૦ જેટલા સ્વયંસેવકોએ શ્યામ સ્વામી તથા ભક્તિચરણ સ્વામી વગેરે સંતો સાથે મળીને ૧૧-૦૦ થી ૪-૦૦ ધોમધખતા તાપમાં ઉઘાડા પગે ચાલતા – અને જરુરીયાતનંદ દરિદ્રનારાયણોને શોધી ચંપલનું વિતરણ કર્યું હતું.સંસ્થાના સેવા કાર્યો જ તેની સુવાસ છે.