જામનગરઃ બાળકને ૯ કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કઢાયો
જામનગર, લાલપુરના ગોવાણામાં બે વર્ષનું બાળક બોરવેલમાં ફસાઇ ગયુ હતુ. જોકે, આ માસૂમને વિવિઘ ટીમોની ૯ કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો છે. બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા પરિવાર અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
બોરવેલમાંથી બાળકને બહાર કાઢતા તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
૬ ફેબ્રુઆરીના રોજ જામનગરના લાલપુરના ગોવાણા ગામમાં સાંજના ૬ કલાકે બાળક બોરવેલમાં પડી ગયો હતો. જેના રડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ આ અંગેની જાણ તંત્રને કરાતા તાત્કાલિક NDRF અને રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. તો ૧૦થી ૧૩ ફૂટે ફસાયેલા બાળકને ઓક્સિજન પણ અપાયો હતો. વિવિધ ટીમોની મહેનતને કારણે મોડી રાત્રે સવા ત્રણ કલાકની આસપાસ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
નવ કલાક ચાલેલા આ ઓપરેશન જિંદગી બાદ સમગ્ર ટીમને સફળતા મળતા તેમણે પણ રાહતનો શ્વાસ લીધો હતો. ૨ વર્ષનો બાળક રાજના માતા-પિતા મધ્યપ્રદેશના વતની હોવાનું હાલ જાણવા મળ્યું છે.
જામનગર ફાયર બ્રિગેડ ટીમ અને રિલાયન્સ ફાયર બ્રિગેડ સહિત વહિવટી તેમજ ૧૦૮ની સમગ્ર મામલે પ્રસંશનીય કામગીરી જોવા મળી હતી. ગઇકાલે સાંજે એક અંદાજ પ્રમાણે ૧૨ ફૂટે બાળક ફસાયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
બોરમાં પડી જવાનાં કારણે બાળક સતત રડી રહ્યું હતુ. બાળકને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હોવાની માહિતી પણ આપવામાં આવી રહી હતી. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં બાળક પડી ગયું હતું.SS1MS