Final List: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 247 પુરૂષ અને 19 સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ 18 ઉમેદવારો મેદાનમાં જયારે બારડોલીમાં માત્ર 3 ઉમેદવાર વચ્ચે જંગ
ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો ગઈકાલે સોમવારે અંતિમ દિવસ હતો અને તે સાથે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતું. સુરતની લોકસભા બેઠક બીનહરીફ થતા હવે 25 બેઠકો પર ચુંટણી થવાની છે અને તેમાં 266 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 2009 પછી ગુજરાતમાં સૌથી ઓછા ઉમેદવારો છે. 2019ની સરખામણીએ પણ 28 ટકા ઓછા ઉમેદવાર છે.
રાજયની લગભગ તમામ બેઠકોમાં નાના પક્ષો અથવા અપક્ષોને બાદ કરતા મુખ્યત્વે દ્વિપક્ષી સીધો મુકાબલો થવાનો છે. 25માંથી 23 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે તથા ભાવનગર-ભરૂચની બેઠકમાં ભાજપ-આપ વચ્ચે જંગ થશે. ચુંટણી જોડાણ અંતર્ગત આ બન્ને બેઠકો કોંગ્રેસે આમ આદમી પાર્ટી (આપ)ને ફાળવી હતી.
ગુજરાતની સૌથી વધુ 18 ઉમેદવાર અમદાવાદ પુર્વેની બેઠકમાં છે જયારે બારડોલીની બેઠક પર સૌથી ઓછા-માત્ર ત્રણ ઉમેદવાર મેદાનમાં છે. રાજકોટની બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભયા હતા. ચકાસણીમાં 105 રદ થતા 328 બાકી રહ્યા હતા. તેમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે 266 ચુંટણી મેદાનમાં રહ્યા છે.
પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી કુલ 58 ફોર્મ ભરાયા હતા તેમાંથી 31 રદ થયા હતા અને ત્રણ પાછા ખેંચાતા હવે 24 ઉમેદવારો વચ્ચે જંગ રહ્યો છે. સૌથી વધુ આઠ ઉમેદવારો વિજાપુર બેઠકમાં રહ્યા છે જયારે વાઘોડીયા બેઠકમાં માત્ર બે જ ઉમેદવારો છે.