Western Times News

Gujarati News

૭૨માં પ્રજાસત્તાક દિને દાહોદમાં આદિવાસી નૃત્યોની રંગારંગ પ્રસ્તુતી

અહીના નવજીવન કોલેજના મેદાનમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી દરમિયાન ૮૦ જેટલા કલાકારોના કાફલાએ રાજ્યના વિવિધ વિસ્તારના આદિવાસી નૃત્યોની રંગારંગ પ્રસ્તુતી કરી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે.  વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના લોકો વિવિધ તહેવારોની લોક નૃત્ય કરી ઉજવણી કરે છે. આદિવાસી લોકનૃત્યમાં ઉંચા પીરામીડ બનાવવાઅને એક બીજાનો હાથ પકડીને નૃત્ય કરવાની ઓળખ છે.

મેવાસી નૃત્યમાં  વડોદરાના શિનોરમાં સગાઇ જેવા સામાજિક શુભ પ્રસંગોમાં ભીલ, તડવી અને વસાવા જાતિના લોકો દ્વારા વિવિધ વાધ્યો સાથે આગવા પોશાકમાં ભાઇઓ પઘડી અને મોરપીંછ લગાવી અને બહેનો ઘરેણાં પહેરી નૃત્ય કરે છે.

રાઠવા નૃત્ય છોટાઉદેપુરના રાઠવા સમાજમાં ધાર્મિક મહત્વ ધરાવે છે. આ નૃત્ય ફાગણ મહિનામાં આ નૃત્ય ગેર (ટોળા) સ્વરૂપે અન્ય ગામમાં જઇ રજૂ કરવામાં આવે છે. નૃ્તય કરનારને ભેટ સોગાતો આપવામાં આવે છે. જે હોળી માતાને અર્પણ કરવામાં આવે છે.

ડાંગ જિલ્લાના સ્ત્રી અને પુરુષો શરીરના વિવિધ અંગોનું હલનચલન અને ચહેરાના હાવભાવ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની આદિવાસી સંસ્કૃતિની ઝલક ડાંગી નૃત્યમાં જોવા મળી હતી.

સાગબારા હોળી નૃત્ય પણ રજૂ થયું હતું. નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ભાઇ – બહેનો દ્વારા મહા શિવરાત્રીના મેળા પછી દેવ મોગરા માતાનું પુજન કરી હોળીના દિવસ સુધી આ નૃત્ય કરે છે.

દાહોદ હોળી નૃત્ય આકર્ષક બન્યું હતું. આદિવાસી ભીલ સમાજના લોકો દરેક શુભ પ્રસંગોએ માથે પાઘડી, ઝુલડી, પગમાં ઘુઘરા તથા હાથમાં તલવાર અને તીર કાંમઠાં સાથે સજ્જ થઇ ઢોલ, કુંડી અને થાળીના તાલે નૃત્ય કરે છે. દાહોદના આદિવાસી ભીલ સમાજનુ આ સૌથી લોકપ્રીય નૃત્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.